દક્ષિણ કાશ્મીરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર
દક્ષિણ કાશ્મીરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર નવી દિલ્હી, તા. 15: દક્ષિણ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં આજે સવારે ત્રાલ ખાતે સુરક્ષા દળો સાથેની ભીષણ અથડામણમાં ત્રણ ખતરનાક ત્રાસવાદીઓ ઠાર થયા હતા. હજુ એક આતંકી છૂપાયો હોવાની આશંકા છે. તેમની પાસેથી હથિયારોનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ ત્રાસવાદીઓની ઉપસ્થિતી અંગે માહિતી મળ્યા બાદ ઓપરેશન હાથ ધર્યુ હતુ. નવમી જુલાઇના દિવસે સીઆરપીએફના એક જવાનને એ વખતે ઇજા થઇ હતી જ્યારે ત્રાલના અરિબાલ વિસ્તારમાં સુરક્ષા દળોના કાફલા પર ત્રાસવાદીઓ દ્વારા ગ્રેનેડ ફેકવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે હજુ સુધી 105 ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. છેલ્લા સાત વર્ષમાં જાન્યુઆરી અને જુલાઇ વચ્ચેના ગાળામાં સૌથી વધારે ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવ્યો છે. એક પોલીસ અધિકારીએ વિગત આપતા કહ્યુ છે કે સુરક્ષા દળોએ લશ્કરે તોયબા, હિઝબુલ અને જેશે મોહમ્મદના ત્રાસવાદીઓનો ખાતમો કર્યો છે.