કાશ્મીરમાં ચીન પણ ચંચૂપાત કરે છે : મહેબૂબા

કાશ્મીરમાં ચીન પણ ચંચૂપાત કરે છે : મહેબૂબા
નવી દિલ્હી, તા. 1પ: જમ્મુ કાશ્મીરનાં મુખ્યમંત્રી મહેબૂબા મુફતી આજે ગૃહ મંત્રી રાજનાથસિંહને મળ્યા હતા અને બેઉએ કાશ્મીરમાંની સલામતી પરિસ્થિતિની ચર્ચા કરી હતી. કલાક ચાલેલી એ બેઠક બાદ મહેબૂબાએ પત્રકારોને જણાવ્યું હતું કે `કાશ્મીરમેં હમ લો એન્ડ ઓર્ડર કી લડાઈ નહીં લડ રહે. જબ તક પૂરા મુલ્ક, પોલિટિકલ પાર્ટીઝ સાથ નહીં દેતે તબ તક યહ જંગ નહીં જીત શકતે. કાશ્મીરમાંની હાલની કટોકટી માત્ર કાયદો-વ્યવસ્થાની સમસ્યા નથી, વિદેશી સત્તાઓ સામેની લડત પણ છે. અગાઉ આમાં માત્ર પાક રહેતું હવે કાશ્મીરની બાબતોમાં ચીન પણ ચંચૂપાત કરતું થયાનો તેમણે આક્ષેપ કર્યો હતો. (કાશ્મીર બાબતે તેમણે પહેલી વાર ચીન સામે આંગળી ચિંધી છે.) આતંકી હુમલામાં 7 અમરનાથ યાત્રાળુનાં મૃત્યુ અંગે તેમણે દિલસોજી વ્યક્ત કરી હતી. યાત્રા માટેની સલામતી અંકે કરવી બેઠકના એજન્ડામાં ટોચ પર હતી. કલમ 370ને સૌથી વધુ ધ્યાન અપાશે, એમ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ભારપૂર્વક જણાવ્યાની યાદ અપાવતાં તેમણે જણાવ્યું હતું કે કાશ્મીરમાંથી કલમ 370 દૂર નહીં કરાય.

સિક્કિમ સેક્ટરમાંના ડોકલામ અંગે ભારત-ચીન વચ્ચેની મડાગાંઠ સંદર્ભે મહેબૂબાએ જણાવ્યું હતું કે હવે ચીન પણ આપણી બાબતોમાં દખલ કરતું થયું છે.

રાજ્યમાંની તનાવગ્રસ્ત સ્થિતિ, ખાસ કરીને દ.કાશ્મીરમાંની રાજકીય મડાગાંઠ તોડી શકવાની મંત્રીઓની બિનક્ષમતા અને શાસનમાંની ઉણપો બેઠકમાં ચર્ચાયાં હતાં.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer