ભારત સાથે સંરક્ષણ કરારનો ખરડો
અમેરિકાના નીચલા ગૃહમાં પસાર : પાકને સહાય માટે કડકાઇ : ત્રાસવાદ સામે ફરજિયાત પગલાં

વાશિંગ્ટન, તા.15 અમેરિકાની સંસદના નીચલા ગૃહ -પ્રતિનિધિ સભાએ 621.5 અબજ ડોલરના તેના સંરક્ષણ ખર્ચના ખરડાને પસાર કર્યો છે. આ ખરડામાં ભારત સાથે અગ્રીમ સંરક્ષણ કરારની જોગવાઈ છે જ્યારે પાકિસ્તાનને આ ક્ષેત્રે સહાય માટે ત્રણ આકરી શરતો મૂકવામાં આવી છે જેમાં ત્રાસવાદ અને ત્રાસવાદી સંસ્થાઓ સામે પકિસ્તાને ફરજિયાત પગલા લેવાના રહે છે.

ગૃહમાં ભારત સંબંધી જે સુધારા પસાર થયા છે તેને વિદેશ પ્રધાન સાથે પરામર્શ કરીને સંરક્ષણ પ્રધાને ભારત અને અમેરિકા વચ્ચે અગ્રીમ સંરક્ષણ સહકાર વિકસાવવાના છે. આ સુધારા રજૂ કરનાર મૂળ ભારતના અમેરિકન સાંસદ અમી બેરાએ જણાવ્યું હતું કે અમેરિકા વિશ્વની સૌથી જૂની લોકશાહી છે અને ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. આ બે રાષ્ટ્રો વચ્ચે એવો વ્યૂહ ઘડવો ઘણો અગત્યનો છે કે જે બન્ને દેશ વચ્ચે સંરક્ષણ સહકારને આગળ વધારે.

આ નેશનલ ડીફેન્સ ઓથોરાઇઝેશન એક્ટ પસાર થતા હવે સંરક્ષણ પ્રધાન અને વિદેશ પ્રધાને 180 દિવસમાં ભારત-અમેરિકા વચ્ચે સંરક્ષણ વ્યૂહને આગળ વધારવાના છે. આ ખરડાને હવે સેનેટમાં પસાર થવા મોકલાશે અને ત્યાંથી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તેના પર સહી થશે એટલે તે કાયદો બની જશે.

દરમિયાન આ ખરડામાં પાકિસ્તાન ઉપર ભારે કડકાઈ દાખવવામાં આવી છે અને આતંકવાદ વિરૂદ્ધ ફંડીંગ માટે આકરી શરતો લાદવામાં આવી છે. આ માટે પ્રતિનિધિ સભાએ ત્રણ સુધારા પસાર કર્યા છે જેમાં પાકિસ્તાનને ભંડોળ આપતા પહેલા આકરી શરતો મૂકાઈ છે અને પાકિસ્તાન ત્રાસવાદ સામેની લડાઈમાં સંતોષજનક પ્રગતિ દેખાડે તે ફરજિયાત બનાવાયું છે. આ શરતો ત્રાસવાદીઓ અને ત્રાસવાદી સંગઠનોને પાકિસ્તાનના ટેકા અંગે સંબંધિત છે જે માટે ભૂતકાળમાં ઘણા અમેરિકન સાંસદો એ ચિંતા વ્યક્ત કરી છે. આગામી વર્ષ માટે 40 કરોડ ડોલરની પાકિસ્તાનને મળનાર સહાય પાકિસ્તાને ત્રાસવાદ સામે પગલા લીધા છે તેવું પુરવાર થાય અને જો અમેરિકાના વિદેશ પ્રધાન તેને પુષ્ટિ આપે તો જ પાકિસ્તાનને આ સહાય મળે તેવી આ સુધારામાં જોગવાઈ છે.