બિહારમાં રાજકીય સંકટ : નીતિશકુમારની હાજરીવાળા કાર્યક્રમમાં તેજસ્વીની ગેરહાજર!

બિહારમાં રાજકીય સંકટ : નીતિશકુમારની હાજરીવાળા કાર્યક્રમમાં તેજસ્વીની ગેરહાજર!
મુંબઈ, તા.15 (પીટીઆઇ) : બિહારમાં રાજકીય સંકટ વધતું જાય છે. લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર સામે સીબીઆઇની તપાસ બાદ મુખ્ય પ્રધાન નીતિશ કુમાર સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન અને લાલુના પુત્ર તેજસ્વી યાદવ આજે નીતિશ કુમાર સાથેના એક સમારોહમાં ગેરહાજર રહેતા તરેહ તરેહની ચર્ચા ચાલી છે. બિહારમાં લાલુની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ, નીતિશ કુમારની પાર્ટી જનતા દળ (યુનાઇટેડ)ની સરકાર છે અને કૉંગ્રેસ તેને ટેકો આપી રહી છે. 

લાલુના પુત્ર તેજસ્વીની સંપત્તિઓ સંબંધી સીબીઆઇના દરોડા બાદ તેજસ્વી પર રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું છે. છેલ્લા ચાર દિવસથી બિહારમાં લાલુ અને નીતિશની પાર્ટીઓ દ્વારા અલગ-અલગ બેઠકોમાં આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં છે. લાલુ પ્રસાદે સ્પષ્ટ કહ્યું હતું કે અમારી સામેના કેસો અંગે અમે જાહેર ખુલાસા આપી ચૂક્યા છીએ અને હવે જે પ્રશ્નો સીબીઆઇને હશે તેના જવાબો આપીશું. કેન્દ્ર સરકાર વિપક્ષો સામે બદલાની ભાવનાથી આવી કાર્યવાહી કરીને વિપક્ષી એકતા ખતમ કરવા માગે છે. તેજસ્વીના રાજીનામાનો તો સવાલ જ નથી. 

બીજી તરફ સુશાસન બાબુ તરીકે જાણીતા નીતિશ કુમાર અને તેમની પાર્ટીની સરકાર ઉજળી છબી ધરાવે છે તેથી તેમણે ત્રણ દિવસ પહેલાં તેજસ્વી અને તેમની પાર્ટીને યોગ્ય નિર્ણય લેવાનું જણાવીને એક રીતે રાજીનામાનું આખરીનામું આપ્યું હતું. આજે પટનામાં `િવશ્વ યુવા હુન્નર દિન' સંબંધી એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિપદે તેજસ્વીનું નામ હતું અને નીતિશ કુમારની ખુરસી પાસે જ તેજસ્વીની ખુરસી મુકાયેલી હતી. જો કે તેજસ્વી હાજર ન રહેતા નવી રાજકીય અટકળો ઉઠી છે. બાદમાં આયોજકોએ તેજસ્વીની નેમ પ્લેટ અને ખુરસી હટાવી લીધી હતી. કેટલાંક કહી રહ્યાં છે કે નીતિશ કુમાર હવે ભાજપ તરફ ઢળી રહ્યાં છે.

પટનામાં નવાં બંધાયેલાં જ્ઞાન ભવનમાં આ કાર્યક્રમ થયાં બાદ પત્રકારોએ નીતિશ કુમારને અનેક પ્રશ્નો કર્યા હતા પરંતુ તેઓ માત્ર સ્મિત આપીને પત્રકારોને હુન્નર દિનની શુભેચ્છા આપીને જતા રહ્યા હતા.

તેજસ્વીની પાર્ટીના નેતા અને બિહારના શ્રમ પ્રધાન વિજય પ્રકાશે જણાવ્યું હતું કે તેજસ્વી આ કાર્યક્રમમાં કેમ ગેરહાજર રહ્યાં તેની મને ખબર નથી. જાણકારો કહી રહ્યાં છે કે બંને પાર્ટીઓના નેતાઓ વચ્ચે અંતર વધતું જાય છે તે દર્શાવે છે કે બિહાર સરકાર અને લાલુ-નીતિશની પાર્ટીઓના ગઠબંધનમાં બધું બરાબર નથી. તેજસ્વી અને લાલુ પરિવાર સામેના કેસનો બોજો નીતિશ કુમાર કેટલાં દિવસ ઉઠાવશે તે કહેવું મુશ્કેલ છે. બધાંની નજર બિહારની આ રાજકીય ગતિવિધિઓ પર ટકેલી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer