છોટા ઉદેપુર પાસે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત : ત્રણનાં મોત
છોટા ઉદેપુર પાસે એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત : ત્રણનાં મોત અમારા પ્રતિનિધિ તરફથી

વડોદરા,તા.15 : છોટા ઉદેપુરના કવાંટ-નસવાડી વચ્ચે આવેલ જામ્બુવા ગામે સરકારી ગાડી અને એસ.ટી.બસ વચ્ચે અકસ્માત થતા ત્રણ વ્યકિતઓનાં મોત નીપજયાં હતાં. જયારે નસવાડીના ટીડીઓને ઈજા થતાં તેમનો અદભુત બચાવ થયો હતો. બનાવ બાદ બસ ચાલક વાહન ઘટનાસ્થળે મુકી ફરાર થઈ ગયો હતો.

છોટા ઉદેપુર સેવાસદન ખાતે આજે તાલુકા કક્ષાની મિટીંગ રાખવામાં આવી હતી. જેથી નસવાડી ટીડીઓ જે.ડી.રાઠવા પોતાના સ્ટાફ સાથે રવાના થયા હતા. તેઓ પોતાના સરકારી વાહન નં. જી.જે. 18 ઈ-2626માંનસવાડીથી કવાંટ તરફ જઈ રહ્યા હતા. ત્યારે સામેથી પુરપાટ રીતે દોડતી આવતી એસ.ટી. બસના ચાલકે ટીડીઓની કારમાં બસ અથાડી હતી. અકસ્માત થતા ગાડીના પુરચે પુરચા ઉડી ગયા હતા. ઘટનાસ્થળે ગાડીના ચાલક તથા મિશન મંગલના બે કર્મચારીઓનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. જયારે ટીડીઓ જે.ડી રાઠવાને હાથે ફેકચર થયું.

ઇનાવની જાણ કવાટ પોલીસને થતા એએસઆઈ ટાપરીયા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અર્થે કવાંટ સરકારી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત ટીડીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટના સ્થળેથી કવાંટના એએસઆઈ ટાપરીયાએ જણાવ્યું હતું કે, એસ.ટી.બસ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે ઘટના સ્થયે વાહન મુકી ફરાર થઈ ગયો હતો.