અમરનાથ યાત્રા હુમલાની તપાસમાં વિધાયકના ડ્રાઈવરની અટકાયત
નવી દિલ્હી, તા. 15 : અમરનાથ યાત્રા ઉપર થયેલા આતંકી હુમલા બાબતે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલામાં આતંકીઓ સાથે સબંધોની શંકાના આધારે જમ્મુ કાશ્મીર પોલીસે પોતાના એક કર્મચારીની અટકાયત કરી છે. તૌસીફ અહેમદ નામનો આ જવાન પુલવામામાં રહેતા વિધાયક એઝાઝ અહેમદના ડ્રાઈવર તરીકેની ફરજમાં છે. તેના આતંકીઓ સાથે સંબંધ હોવાની પુરાવા મળતા પુછપરછ કરવામાં આવી રહી છે. અમરનાથ હુમલા મામલે અત્યાર સુધીમાં બે શખસોની ધરપકડ કરવામાં આવી છે. સાત મહિના અગાઉ તૌસીફને પોલીસે સિક્યુરિટી વિંગમાંથી હટાવીને વિધાયકના ડ્રાઈવર તરીકે તૈનાત કર્યો હતો.