ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રમાં ટ્રેન, બસ અને હવાઈમાર્ગ પણ ખોરવાયો

રાજકોટ,તા.15 : જામનગર, મોરબી, ચોટીલા અને રાજકોટમાં ભારે વરસાદના પગલે રેલવે વ્યવહાર અને એસ.ટી.વ્યવહાર પણ ખોરવાયો હતો,જો કે રેલવે વ્યવહાર સાંજે ધીમે ધીમે પણ પૂર્વવત થઈ રહ્યો છે, જામનગર તરફથી આવતી અને જતી અલગ અલગ સાત ટ્રેનો 1 થી 3 કલાક મોડી પડી હતી તો એસ.ટી.ના મોટાભાગે ગ્રામ્યમાં ચાલતી હોય તેવા 35 જેટલાં રૂટ રદ કરવામાં આવ્યા છે, એટલું જ નહીં 50 ટકા ટ્રાફિક પણ ઘટી ગયો છે.રાજકોટ-મુંબઈ વચ્ચે આવતી જેટએરવેઝની ફલાઈટ પણ આજે સવારના બદલે બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ પહોંચી હતી.

રેલવેના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જામનગર-બાન્દ્રા ટ્રેન નં.19218 આજે બપોરે જામનગરથી ત્રણ કલાક મોડી પડી હતી, ટ્રેન નં.19217 હાપા અને જામવણથલી વચ્ચે આવેલા પૂલ નં.413 ઉપર પાણી ફરી વળતાં ઉભી રાખી દેવાઈ હતી, પૂલ પરથી પાણી ઉતર્યા બાદ ટ્રેનને રવાના કરાઈ હતી. ટ્રેન નં.19575 ઓખા-નાથદ્વારા ચાર કલાક મોડી હતી જે રાજકોટથી બપોરે 12.20 ના બદલે 16.40 વાગ્યે ઉપડી હતી, ટ્રેન નં.092207 સોમનાથ-જગન્નનાથપુરી હોલીડે સ્પેશિયલ બે કલાક અને પંદર મિનિટ મોડી પડી હતી જે રાજકોટથી 11.49 ના બદલે બપોરે 14.05 વાગ્યે ઉપડી હતી.

ટ્રેન નં.11047 વેરાવળ-પુના રાજકોટથી 12.20 ના બદલે 13.20 વાગ્યે ઉપડી હતી, ટ્રેન નં.11465 સોમનાથ-જબલપુર એક કલાક મોડી ઉપડી હતી,જે બપોરે 14.02 ના બદલે 15.02 વાગ્યે ઉપડી હતી.

ટ્રેન નં.59212 પોરબંદર-રાજકોટ પેસેન્જર ટ્રેન હાપાથી જ પરત કરી દેવાઈ હતી.ટ્રેન નં.19578 જામનગર-તિરુનવેલી સાડા ત્રણ કલાક મોડી પડી હતી.

એસ.ટી.

રાજકોટ એસ.ટી.ના નિયામક દિનેશ જેઠવાના જણાવ્યા પ્રમાણે વરસાદના કારણે ખાસ કરીને ગ્રામ્ય રૂટો પર વધારે અસર થઈ છે, જામનગર, મોરબી, ગોંડલ, પડઘરી અને ટંકારા તરફના 35 જેટલાં રૂટ બંધ રદ કરાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે રહેશે કે ટંકારા વિસ્તારમાં તાજેતરમાં જ અતિભારે વરસાદના પગલે રસ્તાના ધોવાણ પુષ્કળ પ્રમાણમાં થયા છે, ઉપરાંત નાના પુલિયા ભયજનક હોય ત્યાં વાહનવ્યવહાર બંધ કરી દેવાયો છે.

હવાઈમાર્ગ

રાજકોટ-મુંબઈ વચ્ચેના હવાઈમાર્ગને પણ આંશિક અસર થઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે, આજે સવારે મુંબઈથી આવતી ફલાઈટ બપોરે લગભગ સાડાત્રણ વાગ્યે આવ્યા બાદ ઉપડી હતી.

જ્યારે પોરબંદર અને મુંબઈ વચ્ચે તાજેતરમાં જ શરુ થયેલી સ્પાઈસ જેટની ફલાઈટ રદ કરાતા અનેક મુસાફરો રઝળી પડયા હતા, આશરે 75 જેટલાં મુસાફરોમાં રોષ ફેલાયો હતો. સવારે સાડા દસ વાગ્યે પોરબંદરના એરપોર્ટ પર આવેલા સ્પાઈસ જેટ વિમાન રન-વે પર ઉતર્યું ત્યારે મુસાફરો બેસી ગયા બાદ ટેકઓફ વખતે ટેકનિકલ ખામી જણાતા ફ્લાઈટ રદ કરી દેવાઈ હતી, મુસાફરોને અમદાવાદથી વિમાનની વ્વયવસ્થા છે તેમ જણાવી દેવાયું હતું.

બીજીતરફ અમદાવાદ અને પોરબંદર વચ્ચે હાઈ-વે પર પણ ભારે વરસાદના પગલે આ માર્ગ પરથી અમદાવાદ જવાનું મોટાભાગના મુસાફરોએ ટાળ્યું હતું.

આ ફ્લાઈટને મુંબઈથી કંડલા અને પોરબંદર એમ અનેક વખત ચલાવાતી હોવાથી મુસાફરી જોખમી બનતી હોવાનો પણ આક્રોશ મુસાફરોએ વ્યક્ત ર્ક્યો હતો.

દરમિયાન અમદાવાદથી મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદથી મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટના શિડયુલ પણ વરસાદના પગલે ખોરવાયા હતા. સ્પાઈસ, વિસ્તરા અને ઇન્ડીગોની ફ્લાઈટ અડધો કલાકથી પોણો કલાક મોડી રહી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer