ઉત્તર પ્રદેશ વિધાનસભા : તપાસ દરમિયાન ફરી વિસ્ફોટક મળતાં હડકંપ

સપાના વિધાયક સહિત પાંચ જણની એટીએસે પૂછપરછ કરી : વિધાનસભાના કર્મચારી કે વિધાયકનું જ ષડયંત્ર હોવાની આશંકા

લખનઉ, તા. 15 : ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ભારે સુરક્ષા વચ્ચે પણ વિધાયકની બેઠક નીચેથી વિસ્ફોટક મળી આવતા હડકંપ મચ્યો છે અને સુરક્ષા સામે પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. વિધાનસભામાંથી મળેલો વિસ્ફોટક પીઈટીએનનો ઉપયોગ આતંકી સંગઠન દ્વારા કરવામાં આવે છે ત્યારે આ બાબતે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. તેવામાં એનઆઈએ અને એટીએસને તપાસ દરમિયાન વધુ એક વખત પીઈટીએન નામનું વિસ્ફોટક મળી આવતા તપાસ વધુ તેજ કરવામાં આવી છે. આ બાબતે સપાના વિધાયક સહિત કુલ પાંચ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત એટીએસે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ શરૂ કરી છે. વિસ્ફોટક મળ્યા બાદ વિધાનસભાની સુરક્ષામાં પણ ઘણી છટકબારીઓ સામે આવી છે. જેમાં મોટાભાગના સીસીટીવી બંધ પડયા છે. તપાસ એજન્સીઓના મતે વિધાનસભાના સદસ્યો કે પછી સુરક્ષા અને આંતરિક કર્મચારીમાંથી કોઈ વ્યક્તિ દ્વારા જ આ વિસ્ફોટક મૂકવામાં આવ્યું છે. આ મામલે તપાસ એટીએસને સોંપવામાં આવી છે. તો બીજી તરફ સપાના વિધાયક મનોજ પાંડેએ પૂછપરછ બાબતે મૌન સેવી લીધું હતું.

એમ માનવામાં આવે છે કે, 2011માં દિલ્હી હાઈકોર્ટ બહાર થયેલા વિસ્ફોટમાં પણ પીઈટીએનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વધુમાં આ વિસ્ફોટકને વિધાનસભામાં પહોંચાડવાની તપાસમાં વિધાયકો પણ શંકાના દાયરામાં છે. કારણ કે માત્ર વિધાયકો, સુરક્ષાકર્મી અથવા તો ચોથા વર્ગના કર્મચારીઓ જ વિધાનસભામાં અવરજવર કરે છે. વિધાનસભામાં વિસ્ફોટક સમાજવાદી પાર્ટીના વિધાયકો બેસે છે તેની નીચેથી મળ્યું છે. જો ધડાકો થયો હોત તો એસપીના નેતાઓને જ સૌથી વધારે નુકશાન થવાની ભીતિ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે એનઆઈ દ્વારા તપાસ થાય તેવી માગ પણ કરી છે. વધુમાં નેતાઓની સુરક્ષા અંગે પૂરતી તકેદારી રાખવાના પણ નિર્દેશો આપવામાં આવ્યા છે.

 ડીજીપી સુલતાન સિંહના કહેવા પ્રમાણે 403 વિધાયકો, 85 માર્શલ સુરક્ષાકર્મીઓ અને ચોથા વર્ગના 20 કર્મચારીઓ જ વિધાનસભાના મુખ્ય ખંડ સુધી જઈ શકે છે. આ તમામની પૂછપરછ કરવામાં આવશે. એટીએસના આઈજી અસીમ અરૂણે કહ્યું હતું કે, આ મામલાની તપાસ માટે સીસીટીવી ફૂટેજની પણ મદદ લેવાઈ રહી છે. પીઈટીએન વિસ્ફોટકોનો ઉપયોગ અલકાયદા અને લશ્કર એ તૈયબા દ્વારા સૌથી વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. અગાઉ કાશ્મીરમાં પણ આ વિસ્ફોટકનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer