આતંક મુદ્દે પાક સામે અમેરિકાની લાલ આંખ : 621.5 અબજ ડૉલરનું સંરક્ષણ બજેટ પસાર

ભારત સાથે સૈન્ય સહકાર માટે 40 લાખ કરોડ

વોશિંગ્ટન, તા. 15 : અમેરિકાની સંસદે આતંકવાદ વિરુદ્ધ લડવાના નામે અમેરિકી ભંડોળ મેળવવું પાકિસ્તાન માટે મુશ્કેલ કરી દીધું છે. ખરેખરા અર્થમાં આતંકવાદ સામે કાર્યવાહી નહીં કરવા પર અમેરિકા પાકને મદદ બંધ કરી દેશે.

દરમ્યાન પ્રતિનિધિ ગૃહ દ્વારા 2018ના નાણાંકીય વરસ માટે અમેરિકાનું 621.5 અબજ ડોલર જેટલું વાર્ષિક સંરક્ષણ બજેટ જાહેર કર્યું હતું અને ભારત સાથે સૈન્ય સહયોગ વધુ વધારાની જોગવાઇ તેમાં સમાવાઇ છે.

આતંકવાદ સામે લડવા માટે ચોમેરથી દબાણ થતાં ઘેરાયેલા પાકિસ્તાનની પરેશાની વધારે તેવા ફેંસલામાં અમેરિકી સંસદે એવો સ્પષ્ટ ઠરાવ કર્યો છે કે માત્ર આર્થિક મદદ જ બંધ નહીં કરાય પરંતુ આતંક સામે પગલાં ન લે તો પાકને અમેરિકાની કડક કાર્યવાહીનો પણ સામનો કરવો પડશે.

`જગત જમાદાર'ની સંસદમાં પસાર થયેલા નવા વિધેયકની જોગવાઇ મુજબ હવેથી આર્થિક મદદની મંજૂરીથી પહેલાં પાકે આતંકવાદ સામે લડાઇ કરી કોઇ જ વ્યક્તિને કે આતંકી જૂથને સહાય નથી આપતું તેના પુરાવા અમેરિકી સંરક્ષણ મંત્રી સમક્ષ આપવા પડશે.

અમેરિકાના સંરક્ષણ પ્રધાને પાકિસ્તાન ઉત્તર વજીરીસ્તાનમાંથી સક્રિય હક્કાની નેટવર્ક સામે ગંભીરતાથી કાર્યવાહી કરે છે તેની ખરાઇ પણ કરવી પડશે.

વધુમાં પાકે એવું પણ પુરવાર કરવું પડશે કે અફઘાનિસ્તાન પાસેની તેની સીમા પર હક્કાની નેટવર્ક સહિત આતંકી જૂથોની ગતિવિધિઓ પર અંકુશ મૂકવા માટે અફઘાન સરકારને સાથ આપે છે.

ઉપરાંત ભારત સાથે સંરક્ષણ સહકાર માટે અમેરિકી સંસદની પ્રતિનિધિસભાએ પસાર કરેલા વિધેયક તળે 40 લાખ કરોડનો ખર્ચ ફાળવાયો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer