પખવાડિયાની વિશ્રાંતિ બાદ રાજ્યભરમાં મેઘરાજાની ધમાકેદાર રિએન્ટ્રી

પખવાડિયાની વિશ્રાંતિ બાદ રાજ્યભરમાં મેઘરાજાની ધમાકેદાર રિએન્ટ્રી
મુંબઈ, તા. 15 : મુંબઈ સહિત રાજ્યભરમાં મેઘરાજાની ઝમકદાર બેટિંગ શરૂ છે. મુંબઈ અને ઉપનગરમાં જોરદાર હવા સાથે મુશળધાર વરસાદ પડયો હતો પરંતુ સવારથી મેઘરાજાએ થોડો વિશ્રામ લીધો હોવાનું ચિત્ર છે.

દક્ષિણ મુંબઈ સહિત કાંદિવલી, અંધેરી, દહિસર, બોરીવલીએ પશ્ચિમ ઉપનગરોમાં તેમ જ મુલુન્ડ, ભાડુંપ, કાંજૂરમાર્ગ અને ઘાટકોપર સહિત પૂર્વના પરાઓમાં ઠેકઠેકાણે શુક્રવારે સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો સૂસવાટા ભારે પવનથી કેટલીક જગ્યાએ ઝાડ તૂટી પડવાની ઘટનાઓ પણ બની હતી.

મુશળધાર વરસાદને કારણે ઘણી જગ્યાએ મકાન તૂટી પડવાની શોર્ટ સર્કિટની તેમ જ વૃક્ષો તૂટી પડવાની ઘટનાઓ પણ બની હતી.

શોર્ટસર્કિટ : શહેરમાં ત્રણ પૂર્વ પરાઓમાં બે અને પશ્ચિમ ઉપનગરોમાં ત્રણ જગ્યાએ શોર્ટસર્કિટની ઘટના બની હતી. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી.

ઘર તૂટી પડવાની ઘટના : શહેરમાં એક અને પૂર્વ ઉપનગરોમાં બે ઘરોની ભીત ધસી પડવાની ઘટના બની હતી. સદભાગ્યે જાનહાની થઈ નહતી.

શહેરમાં છ પૂર્વ પરાંઓમાં 10 તેમ જ પશ્ચિમ પરાંઓના 19 એમ કુલ 35 જગ્યાએ ઝાડ જમીનદોસ્ત થયા હોવાની ઘટનાઓની ફરિયાદ નાગરિકો દ્વારા કરવામાં આવી હતી. આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નહોતી.

આગામી 24 કલાકમાં અતિવૃષ્ટિની આગાહી : આવનારા 24 કલાકમાં મુંબઈ સહિત કોંકણ અને ઉત્તર મહારાષ્ટ્રમાં અતિમુશળધાર વરસાદ વરસવાનો વરતારો હવામાન વિભાગે કર્યો છે. ઉત્તર કોંકણ ઉપરાંત થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં જોરદાર વરસાદ પડવાની સંભાવના છે. તેમ જ દક્ષિણ કોંકણમાંના રત્નાગિરી, સિંધુદુર્ગ જિલ્લામાં વધુ પડતા વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા છે. તે સિવાય ઉત્તર મહારાષ્ટ્રમાંના ધુળે, નંદુરબાર, નાશિક જિલ્લાઓમાં પણ જોરદાર વરસાદનો અંદાજ વ્યક્ત કરાયો છે.

કાળુ નદીમાં પૂર, 15 ગામોથી સંપર્ક તૂટયો : થાણે જિલ્લાના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ગત બે દિવસોથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. તેણે કારણે ટિટવાલા-રુંદે ગામમાની કાળુ નદીની ઉપરના પુલ પરથી પાણી વહી રહ્યું છે. તેને કારણે કલ્યાણ અને ટિટવાલા શહેરના 15 ગામોનો એક રસ્તો બંધ થયો છે. પર્યાયી વ્યવસ્થા શરૂ હોવા છતાં કાળુ નદીમાં પૂર આવ્યું હોવાથી નદીને કાંઠે આવેલા ગામોને સાવધાન રહેવાનો ઈશારો કરાયો છે. થાણે જિલ્લામાં વિક્રમી વરસાદની નોંધ થઈ છે.

નાશિકમાં વિક્રમી વર્ષા, બાળક નાળામાં તણાઈ ગયું

નાશિક જિલ્લામાં વિક્રમી વરસાદની નોંધ લેવામાં આવી છે. મુશળધાર વરસાદને કારણે ઠેકઠેકાણે પાણી ભરાયા છે તેને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હોવાથી લોકો હાલાકીમાં મૂકાયા છે. નાશિકના પંચવટી હનુમાનવાડી પરિસરમાં આવેલા નાળામાં શાળાનો વિદ્યાર્થી તણાઈ ગયો હતો. અગ્નિશમન દળ, પોલીસ અને સ્થાનિક નાગરિકો દ્વારા બાળકની શોધ શરૂ છે. પાણીની ઊંડાઈનો અણસાર ન હોવાથી બાળક તણાઈ ગયું હોવાની શંકા વ્યક્ત કરાઈ છે.

દારણા ડેમમાંથી પાણી છોડાયું

નાશિકના દારણા ડેમમાંથી 12 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ ડેમ હાલ 71 ટકા જેટલો ભરાઈ ગયો હોવાથી નદી કિનારે આવેલા ગામોને ખતરાનો અણસાર અપાયો છે. હજી મુશળધાર વરસાદની શક્યતા હોવાથી એલર્ટ જાહેર કરાઈ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer