સીએસટીની ઘટના તાજી જ છે ત્યારે ચર્ચગેટમાં વધુ એક યુવતીની છેડતી : આરોપી સગીર વયનો
સીએસટીની ઘટના તાજી જ છે ત્યારે ચર્ચગેટમાં વધુ એક યુવતીની છેડતી : આરોપી સગીર વયનો મુંબઈ, તા. 15 : છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં યુવતીઓ સાથે અભદ્ર વર્તન થવાની ઘટનાઓ વધી ગઈ છે. જેની સામે મહિલા સંગઠનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. સીએસટી સ્ટેશને એક પ્રવાસીએ તપોવન એક્સ્પ્રેસમાં યુવતીને જોઇને હસ્તમૈથુન કર્યાની ઘટના તાજી જ છે ત્યારે ફરી એક યુવતીનો વિનયભંગ થયાની ઘટના ઘટતાં મહિલાઓની સલામતી સામે પ્રશ્ન ઊભો થયો છે. પશ્ચિમ રેલવેના ચર્ચગેટ સ્ટેશને એક યુવતીનો વિનયભંગ થયાની ઘટના પણ બહાર આવી છે. આ બનાવ ગત 8 જુલાઈએ બન્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

સીસીટીવીમાં એક યુવતી પ્લેટફોર્મ નંબર ત્રણ પર લોકલ આવવાની રાહ જોતી ઊભી હોય છે એ સ્પષ્ટ દેખાય છે. ત્યાંથી એક યુવાન પસાર થાય છે. યુવતીનું ધ્યાન લોકલ તરફ છે એ જોઇને યુવાને તેની નજીક જઇને તેની છેડતી કરે છે. એ બાદ યુવતીએ દોડીને પેલા યુવકનો પીછો કરીને તેને પકડી પાડે છે.

આરોપી પર વિનય ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપપત્ર પણ દાખલ કરાયો છે. આરોપી સગીર વયનો હોવાથી તેને બાળસુધાર ગૃહમાં મોકલવામાં આવ્યો છે. તેનું મુંબઈમાં રહેવાનું કોઇ ઠેકાણું નથી. તે કાલાઘોડા વિસ્તારમાં બહેન સાથે ફૂટપાથ પર રહેતો હોવાનું જાણવા મળ્યું છે.

આ કુટુંબ મૂળ મધ્યપ્રદેશનું વતની છે. છેલ્લા કેટલાક દિવસથી આવી ઘટનાઓ ઘટતી હોવાથી લોકોમાં કાયદાની ધાક રહી નથી એવું જણાય છે.

તાજેતરમાં જ પવઈમાં પણ એક યુવતીની છેડતીની ઘટના નોંધાઇ હતી. ટુ વ્હિલર પર જતા એક યુવાને રોડ પર જતી 19 વર્ષની એક યુવતી સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો. તેણે યુવતીને જોઇને પેન્ટની ચેન ખોલી હતી. યુવતી તેની સહેલી સાથે બપોરે પોણા બાર વાગે કૉલેજમાંથી ઘરે પાછી ફરી રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. પવઇ પોલીસે આ પ્રકરણે ગુનો નોંધ્યો છે અને આરોપીને પકડવા પોલીસ ઇરર્નિયા બિલ્ડિંગ આસપાસના સીસીટીવી ફુટેજ તપાસી રહી છે.