મોડકસાગર જળાશય છલકાતાં પાણીકાપનો ખતરો ટળ્યો

મોડકસાગર જળાશય છલકાતાં પાણીકાપનો ખતરો ટળ્યો
સાતેય જળાશયોમાં મળી મુંબઈને 234 દિવસ આપી શકાય એટલું પાણી જમા થયું

મુંબઈ, તા.15 : છેલ્લા બે દિવસના વરસાદથી મુંબઈગરાઓને રોજનું 440 મિલિયન લિટર પાણી પુરવઠો આપતું મોડકસાગર જળાશય આજે વહેલી સવારે સાડા છ વાગ્યે છલકી ગયું હતું અને મુંબઈને પાણી પુરવઠો પૂરો પાડતાં તમામ સાત જળાશયોમાં મળી 8,99,388 મિલિયન લિટર પાણી જમા થયું છે. પાલિકાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મુંબઈને સામાન્ય સંજોગોમાં પાણીકાપ વગર રોજનું 3750 મિલિયન લિટર પાણી આપવામાં આવે છે તે ગણતરીએ આટલું પાણી મુંબઈને લગભગ 234 દિવસ આપી શકાય એટલો જથ્થો છે.

જોકે વર્ષભર (આઠ મહિના માટે) મુંબઈને પાણી કાપ વગર પુરવઠો આપવા માટે પહેલી અૉક્ટોબર સુધીમાં સાતેય જળાશયોમાં મળીને 14.47 લાખ મિલિયન લિટર પાણી જમા થવું જોઇએ.પાલિકાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વર્ષ 2015માં અપૂરતો વરસાદ થયા બાદ ગયા વર્ષે સારો વરસાદ હતો છતાં પંદર જુલાઇ સુધીમાં તમામ જળાશયોમાં મળીને 47.25 ટકા પાણી જમા થયું હતું, પરંતુ આ વર્ષે 15 જુલાઇ સુધીમાં પ્રમાણમાં ભારે વરસાદ નથી છતાં 62.14 ટકા પાણી જળાશયોમાં જમા થઇ ગયું છે.

શનિવારે સવાર સુધીના છેલ્લા ચોવીસ કલાકમાં મોડકસાગર જળાશયના કેચમેન્ટ એરિયામાં 123 મિલિ મિટર એટલે કે લગભગ પાંચ ઇંચ વરસાદ થતાં આ વર્ષે મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાંથી છલકાનાર મોડકસાગર પહેલું જળાશય છે. એમ તો સાત જળાશયોમાં પવઇમાં આવેલા વિહાર જળાશયનો પણ સમાવેશ થાય છે અને તે જુલાઇની શરૂઆતમાં જ છલકી ગયું હતું પરંતુ વિહાર નાનું તળાવ હોવા ઉપરાંત તેમાંથી અપાતું પાણી પીવા માટેનું નથી.

ગયા વર્ષની 15 જુલાઇ કરતાં આ વર્ષે સાતેય જળાશયોમાં મળી 2,15,551 મિલિયન લિટર પાણી વધુ જમા થયું છે. મુંબઈને સૌથી વધુ પાણી પુરવઠો ભાત્સા જળાશયમાંથી આપવામાં આવે છે અને આ જળાશય છલકાવાની સપાટીથી માત્ર 14.17 મીટર જ દૂર છે, જો આજકાલમાં સારો વરસાદ હશે તો આ જળાશય પણ છલકી જશે, એવી આશા પાલિકાએ વ્યક્ત કરી હતી.

પરાં વિસ્તારમાં બપોર સુધીમાં વધુ બે ઇંચ વરસાદ : દરમિયાન આજે શનિવારે પણ સવારે થોડા વિરામ બાદ વરસાદે બપોર સુધી જોર બતાડયું હતું. પાલિકાના આંકડા પ્રમાણે દક્ષિણ મુંબઈમાં માત્ર 4.8 મિલિ મીટર વરસાદ નોંધાયો હતો પરંતુ સાંતાક્રુઝમાં શનિવારે સવારે આઠ વાગ્યાથી બપોર બાદ અઢી વાગ્યા સુધીમાં 55.1 મિલિ મીટર એટલે કે બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ રીતે જ પૂર્વ અને પશ્ચિમનાં પરાં વિસ્તારોમાં સરેરાશ 46.73 મિલિમીટર વરસાદ નોંધાયો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer