ન્યૂ ઝીલૅન્ડ સામે 186 રને જીત સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સેમિમાં

ન્યૂ ઝીલૅન્ડ સામે 186 રને જીત સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સેમિમાં
મિતાલી રાજે સદી ફટકારી વધુ એક વિક્રમ નોંધાવ્યો : ગાયકવાડે પાંચ વિકેટ લીધી

ડર્બી, તા. 15 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કપ્તાન મિતાલી રાજે ન્યૂઝીલેન્ડની સામે રમાઇ રહેલી મેચમાં બે મોટા વિક્રમ પોતાના નામે કરી લીધા છે. આ ટૂર્નામેન્ટમાં સદી કરનાર મિતાલી વિશ્વકપમાં ભારત વતીથી 1000 રન બનાવનાર પહેલી મહિલા ખેલાડી બની ગઇ છે. આઇસીસી મહિલા વિશ્વકપની 27મી મેચમાં ભારતની મહિલા ક્રિકેટ?ટીમે ન્યૂઝીલેન્ડની ટીમ સામે 186 રને ભવ્ય વિજય મેળવ્યો હતો.

ભારતે આપેલા 266 રનના વિજયી લક્ષ્યાંકનો પીછો કરતાં ન્યૂઝીલેન્ડ માત્ર 25.3 ઓવરમાં 79 રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ન્યૂઝીલેન્ડ વતી માત્ર સ્ટેટ સ્વેઇટે 26, માર્ટીને 12 અને કેરે 12 રન કર્યા સિવાય કોઇ બેવડા આંક સુધી પહોંચી શક્યા નહોતા. ભારત વતી આર. ગાયકવાડે માત્ર 15 રન આપી પાંચ વિકેટ ખેરવીને જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું, જ્યારે શર્માએ બે અને ગોસ્વામી તથા પાંડેએ એક-એક વિકેટ ખેરવી હતી.

આ પહેલાં ટોસ જીતીને ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમે ફિલ્ડિંગ પસંદ કરતાં દાવમાં આવેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 7 વિકેટે 265 રન કર્યા હતા. ઓપનિંગમાં આવેલી બેટધરો મેઘનાએ 13 અને રાઉતે માત્ર 4 રન કરીને ઝડપી વિદાય લીધી હતી.

વનડાઉન આવેલી કપ્તાન મિતાલી રાજે 123 દડામાં 109 રન કર્યા હતા. જેને હરપ્રિત કૌરે 90 દડામાં 60 રન કરી ત્રીજી વિકેટમાં મોટી ભાગીદારી નોંધાવીને સાથ આપ્યો હતો. તેમના પછી આવેલી શર્મા, એસ. વર્મા શૂન્ય રને આઉટ થયા હતા. જો કે, વી. ક્રિષ્નામૂર્તિએ માત્ર 45 દડામાં 70 રન કરીને છેલ્લી ઓવરમાં તોફાની બેટિંગથી દાવને મજબૂતી આપી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer