મુગુરુજા બની વિમ્બલ્ડન મહિલા ચૅમ્પિયન
મુગુરુજા બની વિમ્બલ્ડન મહિલા ચૅમ્પિયન ફાઇનલમાં અમેરિકાની દિગ્ગજ વિનસ વિલિયમ્સની હાર

લંડન, તા. 15 : વેનેઝુએલામાં જન્મેલી, સ્વીટ્ઝરલૅન્ડમાં રહેનારી અને સ્પેન માટે રમનારી ગાર્બીન મુગુરુઝાએ આજે તેનાથી 14 વર્ષ મોટી અમેરિકાની દિગ્ગજ ખેલાડી વીનસ વિલિયમ્સને હરાવીને પહેલી જ વખત વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ વિમ્બલડનનો મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી લીધો હતો. સેન્ટર કોર્ટ પર રમાયેલા ફાઈનલ મુકાબલામાં 23 વર્ષની મુગુરુઝાએ સાત વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા વીનસને 7-5, 6-0થી હરાવી હતી. આ તેનો પહેલો વિમ્બલડન ખિતાબ છે અને બીજો ગ્રાન્ડ સ્લેમ છે. આ પહેલાં 2016માં મુગુરુઝાએ ફ્રેન્ચ ઓપન જીતી હતી.

બીજીતરફ 37 વર્ષની વીનસનું છઠ્ઠી વખત વિમ્બલડન જીતવાનું સપનું ચકનાચૂર થયું હતું. તે મુગુરુઝા સામે એકદમ લાચાર નજરે પડી હતી. વીનસ જો મુગુરુજાને હરાવી દેત તો ઈતિહાસ રચી શકે તેમ હતી. વીનસની નાની બહેન સેરેનાએ ગયા વર્ષે 35 વર્ષ 125 દિવસની વયે ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યો હતો. વીનસ પાસે મોકો હતો, પરંતુ તેનું સપનું સાકાર થઈ શક્યું ન હતું.

રસપ્રદ બાબત એ છે કે મુગુરુજાએ ગયા વર્ષે વીનસની બહેન સેરેનાને હરાવીને ફ્રેન્ચ ઓપન ખિતાબ જીત્યો હતો અને એથીય વધુ રસપ્રદ એ છે કે વીનસ 31મી ઓક્ટોબર, 1990ના પ્રોફેશનલ ટેનિસ ખેલાડી બની ત્યારે મુગુરુજાની ઉમર એક વર્ષની હતી.

મુગુરુજા સ્લોવાકિયાની માગદાલેના રેબેરિકોવાને હરાવીને ફાઈનલમાં પહોંચી હતી. આ પહેલાં તે 2015માં વિમ્બલડન ફાઈનલ રમી ચૂકી છે.