ઝહીર, દ્રવિડની હજુ `નિમણૂક'' નહીં !

નવી દિલ્હી, તા. 15 (પીટીઆઈ) : મુખ્ય કોચની નિમણૂક બાદ સહાયક કોચોની નિયુક્તિમાં પણ બીસીસીઆઈમાં `હા' અને `ના'નો નાટકીય ઘટનાક્રમ જારી છે. હવે વહીવટી સમિતિ(સીઓએ)એ આજે બોલિંગ કોચ તરીકે ઝહીર ખાન અને બેટિંગ સલાહકાર તરીકે રાહુલ દ્રવિડની નિયુક્તિ પર રોક લગાવતાં જાહેર કર્યું છે કે, મુખ્ય કોચ રવિ શાત્રી સાથે બાવીસ જુલાઈએ ચર્ચા-વિચારણા કર્યા બાદ સપોર્ટ  સ્ટાફની ભરતી કરાશે. 

સીઓએના સભ્યો વિનોદ રાય, ડાયના એડુલ્જી અને બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરીની હાજરીમાં મળેલી બેઠકમાં શાત્રીની નિમણૂકને બહાલી અપાઈ હતી, પણ સમિતિએ એ સ્પષ્ટ કર્યું નહોતું કે ચોક્કસ વિદેશી પ્રવાસો માટે દ્રવિડ અને ઝહીરની નિમણૂક થઈ છે કે કેમ. ટીવી ચેનલોના હેવાલમાં રાયને ટાંકીને જણાવાયું હતું કે ઝહીર અને દ્રવિડની નિમણૂક અંગેનો નિર્ણય શાત્રી સાથે ચર્ચા બાદ કરાશે. 

શાત્રી તેમજ સહાયક કોચોના વેતન અંગેનો નિર્ણય લેવા માટે સીઓએ દ્વારા બોર્ડના કાર્યવાહક પ્રમુખ સી.કે.ખન્ના અને સીઈઓ જોહરીને સાંકળતી ચાર સભ્યની સમિતિની રચના કરી છે. સમિતિમાં એડુલ્જી અને બોર્ડના કાર્યવાહક સેક્રેટરી અમિતાભ ચૌધરી પણ સામેલ છે. 

ભારતીય ટીમ 19 જુલાઈએ શ્રીલંકાના પ્રવાસે પહોંચશે ત્યાર બાદ 22 જુલાઈએ શાત્રી સાથે ચર્ચા કરાશે. સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની સલાહકાર સમિતિએ દ્રવિડ અને ઝહીરની સલાહકાર કોચ તરીકે નિમણૂક કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer