મહારાષ્ટ્રમાં વચગાળાની ચૂંટણીનો પડકાર ઝીલવા ભાજપ તૈયાર

મહારાષ્ટ્રમાં વચગાળાની ચૂંટણીનો પડકાર ઝીલવા ભાજપ તૈયાર
ફડણવીસ સરકાર પાંચ વર્ષની મુદત પૂર્ણ કરશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : મહારાષ્ટ્રમાં વચગાળાની ચૂંટણી માટે જો કોઈ પડકાર ફેંકતા હોય તો અમે તેનો સામનો કરવા તૈયાર છીએ અને સંપૂર્ણ બહુમત સાથે ચૂંટણી જીતીશું એવો પણ અમને વિશ્વાસ છે, પણ દેવેન્દ્ર ફડણવીસની સરકાર પાંચ વર્ષની ટર્મ પૂરી કરશે, એમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે અહીં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું.

કોઈ અમને કહે કે મિડ ટર્મ પોલ કરીશું તો શું અમે મેદાન છોડીને નાસી થોડા જવાના? અમે તૈયાર છીએ, અમે પડકારનો સામનો કરવામાં માનીએ છીએ. તેથી મુખ્ય પ્રધાન ફડણવીસે બરાબર જ કહ્યું છે કે કોઈ મધ્યવર્તી ચૂંટણીની ધમકી આપતું હોય તો અમે તે લડવા તૈયાર છીએ, એમ શાહે શિવસેનાનું નામ લીધા વગર જણાવ્યું હતું.

શિવસેના તરફથી રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે આવી રહેલા નવા નવા પ્રસ્તાવ વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે ભાજપ કોઈના પણ પ્રસ્તાવનો વિચાર કરવા તૈયાર છે, તમે (પત્રકારો) પણ નામ સૂચવી શકો છો.

સરકારમાં મિત્ર પક્ષ તરીકે શિવસેનાની ભૂમિકા અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે હું તમને `ગુપ્ત' માહિતી આપી શકું નહીં. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દરેક બેઠક ઉપર પોતાની તાકાત વધારશે. વર્ષ 2019માં ચૂંટણી છે તેથી અત્યારથી કેટલી બેઠકો જીતીશું તેનો લક્ષ્ય નક્કી કર્યો નથી, એમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે પત્રકારોના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું.

ખેડૂતોની કૃષિ લોન માફ કરવાથી અને બૅન્કોની વધતી એનપીઓ (નોન-પર્ફોર્મિંગ એસેટ્સ)થી દેશની આર્થિક સ્થિતિ કઈ રીતે સુધરશે? એવો પ્રશ્ન પૂછવામાં આવતા અમિત શાહે જણાવ્યું હતું કે એનપીએની સમસ્યા ભાજપના શાસનકાળ પૂર્વેથી ચાલી આવી છે અને ખેડૂતોને લોન માફીનો પ્રશ્ન જે તે રાજ્યો તેમની આર્થિક શક્તિના આધારે ઉકેલશે.

મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર ખેડૂત આંદોલનનો ઉકેલ સફળતાપૂર્વક લાવી હોવાનું પ્રમાણપત્ર પણ અમિત શાહે આપ્યું હતું.

રાષ્ટ્રીય સ્તરે તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે દાર્જીલિંગની સમસ્યા પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉકેલશે.

કાશ્મીરમાં આતંકવાદની વધેલી તીવ્રતા વિશે તેમણે જણાવ્યું હતું કે આ પ્રશ્નને 1989થી જોવો પડે, તેના મૂળમાં જવું પડે, ભાજપની કેન્દ્ર સરકાર આતંકવાદને ડામવામાં સફળ થઈ છે.

પ્રશ્નોત્તરી પહેલાં અમિત શાહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ત્રણ વર્ષના શાસનકાળની સિદ્ધિઓ વર્ણવી હતી અને વર્ષ 2022માં આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી સમયે વિજય મંચ ઉપર ભારત નવી ઊંચાઈ હાંસલ કરી દાખવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer