નર્મદા ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી મળતાં ગુજરાતીઓ માટે આજનો દિવસ સોનેરી અને ઐતિહાસિક દિવસ છે : વિજય રૂપાણી
નર્મદા ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી મળતાં ગુજરાતીઓ માટે આજનો દિવસ સોનેરી અને ઐતિહાસિક  દિવસ છે : વિજય રૂપાણી અમારા પ્રતિનિધિ તરફથી 

વડોદરા,તા.17 : સરદાર સરોવર ડેમ ઉપર દરવાજા બંધ કરવાની કામગીરીનો શુભારંભ કરાવતાં મુખ્ય પ્રધાન  વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત માટે આજનો દિવસ સોનેરી દિવસ છે. ઐતિહાસિક દિવસ છે. નર્મદા કન્ટ્રોલ ઓથોરીટીએ સરદાર સરોવર ડેમના તમામ 30 દરવાજા બંધ કરવાની મંજુરી આપતાં જે સરદાર વલ્લભભાઈ પટેલે સને 1946માં આ એક સ્વપ્ન જોયું હતું અને તે દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તે સ્વપ્ન પુરૂં કર્યું છે. 

મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા યોજનાનું સ્વપ્ન સંપૂર્ણ  બંધનું કામ જે વર્ષોથી ગુજરાતની પ્રજા ઝંખતી હતી. તે દરવાજા બંધ કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યુ  છે. સરદાર સરોવર ડેમનું સંપૂર્ણ કામ એટલે કે દરવાજા લાગી જાય સાથે સાથે બંધની સંપૂર્ણ ઉંચાઈ પુરી થાય અને અત્યારે જે પાણીનો સંગ્રહ થાય છે તેનાથી પોણા ચાર ગણુ પાણી અહીંયા સંગ્રહ થાય અને ગુજરાતના ઉત્તર ગુજરાત, કચ્છ , સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના છેવાડાના લોકોને સિંચાઈ તથા પીવાનું પાણી મળી રહે  જે સ્વપ્ન આજે સાકાર થયું છે. તેમ જણાવી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ  આભાર માન્યો હતો. 

તેમણે જણાવ્યું હતું કે, બધી વિટંમણાઓ પાર પાડીને તમામ પ્રકારની મંજૂરીઓ આપણને કેન્દ્ર સરકારે આપી ગુજરાતના લોકોની લાગણીનો પડઘો પાડયો છે. આજે ગુજરાતીઓ માટે ખૂબ જ ગૌરવનો દિવસ છે અને આગામી 10 દિવસ નર્મદા ઉત્સવ ગુજરાતની તમામ જનતા મનાવે અને મા નર્મદાના સદાને માટે આશિર્વાદ પ્રાપ્ત થાય. નર્મદે  સર્વેદે સાચા અર્થમાં સાકાર થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરી હતી. મા નર્મદાના ખૂબ ખૂબ ઋણી છીએ. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સરકાર અને જનતાનો પણ ખુબ સાથ સહકાર બદલ આભાર માનીએ છીએ અને આજે આ સ્વપ્ન પુરૂં થયું છે. આ પ્રસંગે મુખ્ય પ્રધાન રૂપાણીએ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર , રાજસ્થાન આ ત્રણ રાજયના મુખ્ય પ્રધાનોનો ગુજરાતની જનતા વતી આભારની લાગણી વ્યકત કરતાં કહ્યું હતું કે, દરવાજા બંધ થતાં હાલ કરતાં પોણા ચાર ગણું વધુ પાણી આવતી સીઝનથી ગુજરાતને પ્રાપ્ત થશે. દર વર્ષે એક અબજથી વધારે કયુબીક વિજળી પેદા થશે. 40 ટકા વધારાની જળ વિદ્યુત ઉત્પન્ન થશે. અને સૌની યોજના સુજલામ-સુફલામ યોજના થકી ગુજરાતના દરેક શહેરોમાં પાણી પહોંચાડવામાં નર્મદાનું નીર ઉપયોગી થશે.