કોચી મેટ્રો રેલને પ્રસ્થાન કરાવતા વડા પ્રધાન

કોચી મેટ્રો રેલને પ્રસ્થાન કરાવતા વડા પ્રધાન
કાલથી વિધિવત્ આરંભ, દેશની સૌથી ઝડપથી પૂરી કરાયેલી મેટ્રોનો ખર્ચ રૂ. 5181 કરોડ

કોચી તા. 17: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળની પ્રથમ કોચી મેટ્રો રેલને આજે લીલી ઝંડી આપી તેનું પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્ય મંત્રી પિનારાયી વિજયન અને `મેટ્રો મેન' ઈ. શ્રીધરન વ. સાથે તેમાં સવારી કરી હતી. આ ભવિષ્યલક્ષી આંતરમાળખું  ભારતની વૃદ્ધિમાં યોગદાન આપશે એમ મોદીએ તેમના વકતવ્યમાં જણાવી કોચી મેટ્રો રેલ સિસ્ટમમાં 1 હજાર મહિલાઓ અને 23 ટ્રાન્સજેન્ડરની કર્મચારી તરીકેની પસંદગીને નોંધનીય ગણાવી હતી. રાષ્ટ્રના અંઁકંદર માળખાકીય વિકાસ પર સરકાર વિશેષ ધ્યાન આપી રહી હોવાનું જણાવી તેમણે ઉમેર્યુ હતું કે `પ્રગતિ'(પ્રો-એકટીવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઈમ્પ્લીમેન્ટેશન)ની બેઠકમાં, 8 લાખ કરોડની કિંમતના થવા જતા 175 પ્રોજેકટ્સની મેં જાતે સમીક્ષા કરી હતી. મલયાલમ ભાષામાં પ્રવચનની શરૂઆત કરતા મોદીએ જણાવ્યું હતું કે આ પ્રોજેકટનો હિસ્સો બનતા ખુશી અનુભવું છું. અરબી સમુદ્રની રાણી કોચી એક વેળા મરીમસાલાના વ્યાપારનું મહત્વનું મથક હતું.

કેન્દ્ર-રાજયના 50-50 ટકા સહિયારા સાહસની ફળશ્રુતિ અને દેશમાં સૌથી ઝડપભેર પૂર્ણ કરાયેલી કોચી મેટ્રો રેલ લિ. સોમવારથી રાબેતાનો આરંભ કરશે. તેનો અંદાજિત ખર્ચ રૂ. 5,181 કરોડ થયો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer