ચૅમ્પિયન્સ ટ્રૉફી : આજે કટ્ટર હરીફો ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈવૉલ્ટેજ જંગ
ચૅમ્પિયન્સ ટ્રૉફી : આજે કટ્ટર હરીફો ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈવૉલ્ટેજ જંગ હૉકી વર્લ્ડ લીગની સેમિ ફાઇનલમાં પણ બંને ટીમો ટકરાશે

લંડન, તા. 17 : એક તરફ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તંગદિલી છવાઈ છે. તો બીજી તરફ ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલ મેચમાં આવતીકાલે ચિર પ્રતિદ્વંદી ભારત અને પાકિસ્તાનની ટીમ ટકરાવાની છે. હાઈ વોલ્ટેજ ફાઇનલ જંગ માટે ક્રિકેટ રસિકોમાં ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે. જેની સોશિયલ મીડિયાથી લઈને તમામ જગ્યાએ ચર્ચા થઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફીના શરૂઆતી તબક્કામાં પણ ભારત અને પાકિસ્તાન ટકરાયા હતા. જો કે આ મેચ નિરસ સાબિત થઈ હતી. જો કે ફરી એક વખત બંને ટીમો સામસામે મેદાનમાં ઉતરવાની હોવાથી ભારે રોમાંચ છવાયો છે. માત્ર ક્રિકેટના ગ્રાઉન્ડમાં જ નહીં પણ હોકી વર્લ્ડ લીગની સેમીફાઇનલમાં પણ આવતીકાલે કટ્ટર હરીફ ગણાતા ભારત અને પાકિસ્તાનની ટીમ ટકરાશે.

એક તરફ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ તો બીજી તરફ હોકી વર્લ્ડ લીગની સેમીફાઇનલ એમ બે જગ્યાએ ભારત અને પાકિસ્તાન અથડાવાના હોવાથી લોકોમાં ભારે ઉત્સાહ અને રોમાંચ ફેલાયો છે. ભારતે બાંગલાદેશને કચડીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તો બીજી તરફ અપસેટ સર્જતા ઇંગ્લેન્ડને પરાસ્ત કરીને પાકિસ્તાન પણ ફાઇનલમાં પ્રવેશ્યું હતું ત્યારે હવે ભારે દબાણ વચ્ચે પણ સ્વસ્થતાપૂર્વક જે ટીમ પ્રદર્શન કરી શકશે તે જ ટીમ આ મેચમાં વિજેતા

બનીને ટ્રોફી ઉપર કબજો કરશે. ભારત ચેમ્પિયન્સ ટ્રોફીના તાજને બચાવવા માટે મેદાનમાં ઉતરશે. જ્યારે અગાઉ ભારત સામે હારના કારણે ટિકાનો ભોગ બનેલી પાકિસ્તાનની ટીમ ટ્રોફી લઈ ગુમાવેલું સન્માન મેળવવા માટેના પ્રયાસો કરશે.