લાતુરમાં ગેરકાયદે વીઓઆઇપી ટેલિફોન એક્સચેન્જ કૌભાંડનો પર્દાફાશ, બે આરોપી પકડાયા
લાતુરમાં ગેરકાયદે વીઓઆઇપી ટેલિફોન એક્સચેન્જ કૌભાંડનો પર્દાફાશ, બે આરોપી પકડાયા પાકિસ્તાનની જાસૂસી સંસ્થાઓને લશ્કરની સંવેદનશીલ માહિતીઓ પણ પહોંચાડાતી હોવાની શંકા

મુંબઈ, તા.17 (પીટીઆઇ) : ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જો ઊભા કરીને તેમ જ એક કમ્પ્યુટર નૅટવર્કના માધ્યમથી ટેલિફોન કૉલ્સ આંતરીને ભારતીય લશ્કરની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનની જાસુસી સંસ્થાઓ સુધી પહોંચાડવાના ખળભળાટ મચાવનારા પ્રકરણનો પર્દાફાશ મહારાષ્ટ્રના લાતુરમાં થયો છે. પોલીસે આ પ્રકરણે 33 વર્ષના શંકર બિરાદર અને 27 વર્ષના રવિ સાબદે નામના બે આરોપીની ધરપકડ કરી છે. 

પોલીસે આ કેસની માહિતી આપતાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં કાર્યરત ભારતના લશ્કરની ગુપ્તચર સંસ્થાની બાતમીના આધારે શુક્રવારે મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડ, લાતુર પોલીસ અને ટેલિકમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટની સંયુક્ત ટીમે લાતુર જિલ્લામાં ત્રણ સ્થળે દરોડા પાડીને આ ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જોનો પર્દાફાશ કર્યો હતો. વીઓઆઇપી તરીકે ઓળખાતી આવી ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જોનો ઉપયોગ પાકિસ્તાનની જાસુસી સંસ્થાઓ દ્વારા મિલિટરીની સંવેદનશીલ માહિતી મેળવવા થાય છે. છેલ્લા છ મહિનાથી લાતુરના દેવની તાલુકાના પ્રકાશ નગર અને ચાકુર તાલુકામાં ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જો ચાલતાં હતાં.

આરોપીઓ ઇન્ટરનૅટના માધ્યમથી વિદેશી કૉલ મેળવતા અને આવા વૉઇસ કૉલ ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જના માધ્યમથી ડાયવર્ટ કરાતા હતા. ભારતમાં આવી વીઓઆઇપી એક્સચેન્જો પ્રતિબંધિત છે. પોલીસે રેઇડ દરમિયાન 4,60,000 રૂપિયાના વિવિધ ઉપકરણો પણ જપ્ત કર્યા છે, જે આરોપીઓના ઘર કે પરિસરોમાંથી મળી આવ્યા હતા. શંકર પ્રકાશ નગરમાં તેના ઘરેથી જ્યારે ચાકુરમાં ભાડાની રૂમમાં બેસીને રવિ આ ખતરનાક ગેરકાયદે કામ કરતો હતો. ટેલિકમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટને આ ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જોના કારણે 15 કરોડ રૂપિયાનનું નુકસાન થયાનો અંદાજ છે.