વિદેશમાં વસતા યુવા ભારતીયો માટે નો ઇન્ડિયા પ્રોગ્રામને ખુલ્લો મૂકતાં સુષમા સ્વરાજ

ગુજરાતમાં આઠ અને મહારાષ્ટ્રમાં 11 નવાં પાસપોર્ટ સેવા કેન્દ્રોની જાહેરાત 

આનંદ કે. વ્યાસ તરફથી 

નવી દિલ્હી, તા.17 : વિદેશમાં વસતા યુવા ભારતીયો માટે ભારતને જાણો કાર્યક્રમ (નો ઇન્ડિયા પ્રોગ્રામ-કેઆઇપી) ખુલ્લો મૂકતાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજે જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં દેશમાં 149 નવાં પૉસ્ટ અૉફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ કરાશે અને થોડા સમયમાં  જ આવા કેન્દ્રોની સંખ્યા 251 સુધી લઇ જવાશે. સરકારનો પ્રયાસ એવો છે કે દેશના કોઇ પણ નાગરિકને પાસપોર્ટ મેળવવા માટે પચાસ કિલોમીટરથી વધુ પ્રવાસ ન કરવો પડે. 

સ્વરાજે જણાવ્યું હતું કે નવા 149 પાસપોર્ટ કેન્દ્રોમાંથી ગુજરાતમાં આણંદ, ભરુચ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ખેડા, નવસારી અને વલસાડ એમ આઠ અને મહારાષ્ટ્રમાં અહમદનગર, જાલના, લાતુર, પંઢરપુર, સાંગલી, સિંધુદૂર્ગ, વર્ધા, નવી મુંબઈ, ડોમ્બિવલી, પનવેલ અને નાંદેડ એમ 11 શહેરોમાં શરૂ કરાશે. 

કેઆઇપી અંગે સ્વરાજે જણાવ્યું હતું કે ભારતમાં વિવિધતામાં એકતા અને વિવિધ સાંસ્કૃતિક-સામાજિક જીવન પદ્ધતિઓ તેમ જ આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં ભારતે કરેલી પ્રગતિ સંબંધી જાણકારી માટે આ પ્રોગ્રામ છે. ત્રણ અઠવાડિયાના આ કાર્યક્રમમાં વિદેશમાં વસેલા યુવા ભારતીયોને ભારતની મુલાકાતે આવવાનું આકર્ષણ રહે અને તેમને આ કાર્યક્રમમાં આવીને દેશના યુવા વર્ગ સાથે વિચારોનું આદાન પ્રદાન કરવા મળશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer