જુનૈદની અંતિમયાત્રામાં આતંકીઓનો હવામાં ગોળીબાર
શ્રીનગર, તા. 17 : લશ્કર-એ-તોયબાનો સ્થાનિક કમાન્ડર જુનૈદ ઠાર મરાયા બાદ બોખલાયેલા આંતવાદીઓએ આજે ફરી સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો. જોકે, ભારતીય જવાનોએ જડબાંતોડ જવાબ આપતાં હુમલાનો નાપાક પ્રયાસ નાકામ કર્યો હતો.

કાશ્મીર ખીણમાં અનંતનાગ જિલ્લાના બીજબેહાડામાં આતંવાદીઓએ જ્યાં સી.આર. પી.એફ. અને સૈન્યના જવાનો તૈનાત રહે છે, તેવા સેના કેમ્પો પર હુમલો કર્યો હતો. સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.

દરમ્યાન સેનાની `મોસ્ટ વોન્ટેડ' યાદીમાં સામેલ તોયબા કમાન્ડર જુનૈદ મટ્ટુની અંતિમયાત્રામાં શનિવારે કુલગામ જિલ્લામાં અને સશત્ર આંતકવાદીઓએ હવામાં ગોળીબાર કર્યો હતો.

મટ્ટુ ગઇકાલે શુક્રવારે અરવની ગામમાં ભારતીય સુરક્ષાદળો સાથેનાં ઘર્ષણ દરમ્યાન તેના બે સાથીઓ સાથે માર્યા ગયો હતો. તેને ખુદવાની ગામમાં દફનાવાયો હતો. સુરક્ષાદળોએ કોઇપણ પ્રકારની હિંસા ટાળવા માટે આવેલા લોકોને જુનૈદના અંતિમ સંસ્કારમાં સામેલ થવાની છૂટ આપી હતી.

દરમ્યાન, જુનૈદે ઠાર મરાતાં તેના મોતનો બદલો લેવાના નાપાક ઇરાદા સાથે શનિવારે બીજીવાર કરાયેલો આતંકી હુમલાનો પ્રયાસ નિષ્ફળ બનાવી દેવાયો હતો.

ઉલ્લેખનીય છેકે, ગઇકાલે છ જવાન શહીદ થયા હતા. તેમના મૃતદેહો ક્ષત વિક્ષત કરવા સાથે ચહેરા બગાડવાની બર્બરતાથી ખીણમાં આતંકવાદ સામે આક્રોશ ફેલાયો હતો.