આશિષ શેલાર કૌભાંડોના મહારથી : `આપ''નો આક્ષેપ

આશિષ શેલાર કૌભાંડોના મહારથી : `આપ''નો આક્ષેપ
આક્ષેપો ખોટા હોવાનો ભાજપના નેતાનો પ્રત્યુત્તર

મુંબઈ, તા. 17 (પીટીઆઇ) : રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા છગન ભુજબળ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો બદલ કાર્યવાહીમાં રાજ્ય સરકારે જે તત્પરતા દાખવી એવી જ તત્પરતા ભાજપના મુંબઈ એકમના અધ્યક્ષ આશિષ શેલાર વિરુદ્ધ કાર્યવાહીમાં કેમ નથી દેખાતી? એવો સવાલ કરીને આમ આદમી પાર્ટી (આપ)ના મહિલા નેતા પ્રીતિ શર્મા મેનને આક્ષેપ કર્યો હતો કે શેલારે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાથી તેઓ કૌભાંડોના મહારથી છે. 

મેનને કહ્યું હતું કે શેલારની રિદ્ધિ કંપની કોઇ પણ પ્રકારનો બિઝનેસ નથી કરતી છતાં કરોડો રૂપિયાની કમાણી કંપનીના હિસાબમાં દર્શાવાય છે. જુલાઇ 2016માં આપે શેલાર વિરુદ્ધ મની લોન્ડરિંગની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ કોઇ તપાસ એજન્સીએ આવી ફરિયાદ પર સાદી કાર્યવાહી પણ કરી નથી. આનાથી વિપરીત તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શેલાર જેમની સામે ચૂંટણી જીતીને વિધાનસભ્ય બન્યા છે એ કૉંગ્રેસના પૂર્વ વિધાનસભ્ય બાબા સિદ્દીકીના ઘરે દરોડા પાડવાની તત્પરતા દેખાડી છે. આ રીતે એનસીપી અને કૉંગ્રેસના નેતાઓ સામેના આક્ષેપોની તપાસમાં રાજ્ય સરકાર જે તત્પરતા દાખવે છે તે ભાજપના નેતાઓ સામેના આક્ષેપોમાં નથી દાખવતી, શું ભાજપના નેતાઓને સંરક્ષણ મળેલું છે?

શેલારે પત્રકારો સાથેની વાતચીતમાં આવા આક્ષેપોને નકારી કાઢીને જણાવ્યું હતું કે આવા આક્ષેપો જૂના છે અને તેમાં કોઇ જ દમ નથી. અગાઉ પત્રકાર પરિષદમાં મેં આવા આક્ષેપોના જવાબો આપેલા છે. સર્વેશ્વર અને રિદ્ધિ નામની બે કંપનીઓનાં નામે મારી વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ કંપનીઓ સાથે હવે મારે કોઇ જ લેવાદેવા નથી. આ કંપનીઓના ડિરેક્ટરપદેથી મેં રાજીનામું આપેલું છે અને મારી પાર્ટીએ પણ આની સ્પષ્ટતા અગાઉ કરેલી છે. આ આક્ષેપો રાજકીય દ્વેશવાળા છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer