સારા વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં ખરીફ વાવણી પુરજોશમાં

હૃષિકેશ વ્યાસ તરફથી

અમદાવાદ, તા.17: ચાલુ વર્ષે ચોમાસું ધીમેધીમે આગળ વધી રહ્યું છે ત્યારે  સારા વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં ખેડૂતેએ ખરીફ વાવેતરની તૈયારીઓ પુરજોશમાં આરંભી દીધી છે. હાલમાં સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસનું વાવેતર આરંભી દેવાયું છે, જ્યારે અમદાવાદ જિલ્લામાં ડાંગરના ધરુ રોપવાની કામગીરી ચાલી રહી છે. 15 જુલાઇ બાદ ખેતરોમાં ડાંગરની રોપણીની કામગીરી ખેડૂતો હાથ ધરશે. 

ગત વર્ષના આ સમયગાળાની તુલનામાં આ વર્ષે વાવેતરના શરૂઆતના તબક્કા એવા બીજા અઠવાડિયામાં 1,22,200 હેકટરમાં ખરીફ વાવેતર થવા પામ્યું છે, જે આ વર્ષે ખરીફ વાવેતર સારું થવાની શક્યતા દર્શાવે છે. 

ગુજરાતમાં સારા વરસાદની આગાહીને લઇને સારો પાક થવાના આશાવાદમાં ખેડૂતોએઁ ખરીફ વાવેતરના પ્રારંભે જ મોટા પ્રમાણમાં વાવેતર આરંભી દીધું છે. ગુજરાતમાં નોર્મલ વાવેતર વિસ્તાર 85.76 લાખ હેકટર છે, જેમાંથી ચાલુ વર્ષે 12 જૂન સુધીમાં ખરીફ વાવેતરના શરૂઆતના તબક્કામાં જ કુલ 2,05,700 હેકટર વિસ્તારમાં ખરીફ વાવેતર કરી દેવાયું છે. ખરીફ વાવેતરમાં આ વર્ષે નોંધપાત્ર વધારો થવાની શક્યતા વ્યક્ત કરતા ખેતીવાડી ખાતાના અધિકારીઓએ  રાજ્યમાં  86.71 લાખ હેકટરમાં ખરીફ વાવેતરનો રાજ્યસરકારના કૃષિ વિભાગે અંદાજ મૂક્યો હોવાનું જણાવ્યું હતું,  જેમાં મુખ્યત્વે મગફળીનું વાવેતર 13.87 લાખ હેકટરના નોર્મલ વાવેતરથી વધારીને 15.42 લાખ હેકટરમાં કરવાનો લક્ષ્યાંક છે. જ્યારે કપાસનું વાવેતર 27.25 લાખ હેકટર નોર્મલ વાવેતરથી વધારીને 28 લાખ હેકટર કરવાનો લક્ષ્યાંક સરકારનો છે. 

દરમિયાન રાજ્યમાં ગત વર્ષે 12 જૂન સુધીમાં  13,100 હેકટરમાં મગફળીનું વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે 12 જૂન સુધીમાં ખેડૂતોએ 44,800 હેકટરમાં મગફળી વાવણી સંપન્ન કરી દીધી છે. સૌરાષ્ટ્રમાં બોટાદ અને ભાવનગરને બાદ કરતા તમામ જિલ્લાઓમાં મગફળીનું વાવેતર કરી દેવાયું છે. સૌથી વધુ વાવેતર મોરબીમાં 16,300 હેકટરમાં થવા પામ્યું છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં 300 હેકટર, મહેસાણામાં 200 હેકટર અને ગાંધીનગરમાં 500 હેકટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થઇ ચૂક્યું છે. 

આ વર્ષે ખેડૂતોએઁ કપાસના વાવેતરમાં પણ ભારે રસ દાખવ્યો છે. ગત વર્ષે આ ગાળામાં રાજ્યમાં 50,800 હેકટરમાં કપાસનું વાવેતર થયું હતું તેની સામે આ વર્ષે ચોમાસું સારું રહેવાના આશાવાદ વચ્ચે ખેડૂતોએ 12 જૂન સુધીમાં 1,42,000 હેકટરમાં કપાસનું વાવેતર કરી દીધું છે. સૌરાષ્ટ્રમાં 94,700 હેકટરમાં કપાસનું વાવેતર થયું છે, જ્યારે ઉત્ત્ર ગુજરાતમાં 29,900 હેકટરમાં, મધ્ય ગુજરાતમાં 8,500 હેકટરમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં 2,200 હેકટરમાં કપાસનું વાવેતર ખેડૂતોએ કરી દીધું છે.

સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 60,100 હેકટરમાં કપાસનું વાવેતર થયું છે. જ્યારે મેરબીમાં 24,800 હેકટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે. 

આમ, આ વર્ષે ખેડૂતો મગફળી અને કપાસ ઉપરાંત ચોખા, સોયાબીન, બાજરી, જુવાર, મકાઇ અને કઠોળ જેવા ખરીફ પાકોનું વાવેતર મોટા પ્રમાણમાં કરે તેવી ધારણા છે. આથી આ વર્ષે અનાજનું વિપુલ ઉત્પાદન થવાની આશા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer