જીએસટીના મુદ્દે કાપડ બજારોને બનતી તમામ મદદ કરીશ : અરવિંદ સાવંત

જીએસટીના મુદ્દે કાપડ બજારોને બનતી તમામ મદદ કરીશ : અરવિંદ સાવંત
નાણાપ્રધાન સહિત જીએસટી કાઉન્સિલના તમામ સભ્યોને અૉનલાઇન પત્ર મોકલાશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા.17 : દેશમાં એકસમાન કરનીતિ માટે પહેલી જુલાઇથી અમલમાં આવનારા ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) એક્ટના વિરોધમાં મેદાને પડેલાં કાપડ બજારના અસોસિયેશનોની જોઇન્ટ એક્શન કમિટીની બેઠક આજે ભારત મર્ચંટ ચેમ્બરમાં મળી હતી તેમાં દક્ષિણ મુંબઈના શિવસેનાના સંસદસભ્ય અરવિંદ સાવંતે હાજરી આપી હતી. સાવંતે કાપડ ઉદ્યોગમાં વેપારીઓને જીએસટી સંબંધી મુશ્કેલીઓ દૂર કરવા માટે બનતી મદદ કરવાનો ભરોસો આપીને કાપડ પરથી પ્રસ્તાવિત પાંચ ટકા જીએસટી હટાવવા માટે આજે જ નાણાપ્રધાન અરુણ જેટલી સહિત જીએસટી કાઉન્સિલના તમામ સભ્યોને અૉનલાઇન પત્ર મોકલવાની ખાતરી આપી હતી. 

સાવંતે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર વધુને વધુ લોકો તેમ જ વ્યવસાયીઓને કરવેરાની જાળમાં લેવા માગે છે તેના કારણે નાના વેપારીઓ પણ કરવેરાની જાળમાં આવી જશે અને કાપડ ઉદ્યોગ પર આવા હેતુથી જ જીએસટીનો પ્રસ્તાવ કરાયો છે. ભારતની સવા સો કરોડ વસતીમાંથી માત્ર 3.76 કરોડ લોકો જ આવકવેરો ભરે છે. કાપડ પર જીએસટી લગાવવાથી તથા કરવેરાની વિસંગતિયોના કારણે કંપોઝિટ મિલોની તુલનાએ નાના વેપારીઓના રોકાણમાં 10 ટકાનો વધારો થશે. 

સાવંતે કહ્યું હતું કે 21 જૂને દિલ્હી જવાનો છું અને મુંબઈના વેપારી વર્ગની આ લાગણી અને માગણીને વ્યક્તિગત રીતે સરકારમાં વિવિધ સ્તરે પહોંચાડીશ. કમિટી તરફથી ચેમ્બરના ટ્રસ્ટી રાજીવ સિંગલે જણાવ્યું હતું કે 12થી 15 કરોડ લોકો કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલાં છે. વર્ષ 1957થી આજ સુધી કાપડના વેપાર પર કોઇ પણ પ્રકારના કરવેરા નથી. દેશમાં કૃષિ પછી સૌથી વધુ રોજગારી આપવામાં કાપડ ઉદ્યોગ બીજા નંબરે છે. સરકારે કાપડ ઉદ્યોગમાં જીએસટી લગાવતા પહેલાં કાપડના વેપારી વર્ગ સાથે કોઇ પણ પ્રકારની ચર્ચા-વિચારણા નથી કરી. આનાથી માત્ર મોટી કમ્પોઝીટ કાપડ મિલોને જ ફાયદો થશે. 

આ બેઠકના અધ્યક્ષ વિજય લોહિયાએ જણાવ્યું હતું કે યાર્ન પર જીએસટી લાદવામાં આવ્યો છે પછી કાપડ અને કપડા પર જીએસટી લાદવાની શુ જરૂર છે. સરકારે યાર્ન પરના જીએસટીને 12 ટકાથી વધારીને 18 ટકા કરતા કરવેરાની આવક દોઢ ગણી તો કરી નાખી છે હવે કાપડ અને કપડાના નાના વેપારીઓ પર કરવેરા લાદવાથી આ ક્ષેત્ર છીન્ન ભીન્ન થશે, સરકાર નાના વેપારીઓને ખતમ કરવાના રસ્તે હોવાનું અમને લાગી રહ્યું છે. વેપારી વર્ગ ક્યારેય આંદોલનનો માર્ગ નથી લેતો પરંતુ સરકાર આવું કરવા અમને મજબૂર કરી રહી છે. કાપડ પર ટેક્સનો બોજો વધારવાથી સરકારને કોઇ ફાયદો નથી થવાનો કેમ કે સરકારને ટેક્સ મળશે તેનાથી વધુ તો સરકારને ખર્ચ થશે.  કમિટીના સંયોજક રાયચંદ બિનાકિયાએ કહ્યું હતું કે દેશભરમાં 25 લાખ પાવરલૂમો છે તેમાંથી 15 લાખ તો માત્ર મહારાષ્ટ્રમાં ધમધમે છે, તેથી જીએસટીની સૌથી વધુ વિપરિત અસર મહારાષ્ટ્રના કાપડ ઉદ્યોગને થશે.    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer