ચૂંટણીઓમાં મનસેના થયેલા ધબડકા બાદ રાજ ઠાકરે પક્ષની નવરચનામાં જોતરાયા

મુંબઈ, તા. 17 : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના તાજેતરની ચૂંટણીઓમાં થયેલા ધબડકા બાદ તેના વડા રાજ ઠાકરેએ તેમના પક્ષની કાયાપલટ કરવાનું શરૂ કર્યું છે.

શુક્રવારે તેમણે મનસેની શ્રમ, ટ્રાન્સપોર્ટ, રોડ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને લૉટરી માટેની સમિતિઓ ઠાકરેએ બરખાસ્ત કરી હતી. જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું કે આ સમિતિઓને મોટા ભાગના હોદ્દેદારો તેમની ફરજ બજાવવામાં નિષ્ફળ ગયા હતા અને આ સમિતિઓ મોટા ભાગે સુષુપ્ત રહી હતી.

ઉપરાંત રાજ ઠાકરે જાતે પક્ષની સ્થાનિક કચેરીઓની મુલાકાત લઈ રહ્યા છે અને પક્ષના કાર્યકરોની કામગીરીનું મૂલ્યાંકન કરી રહ્યા છે. તેમની પાસેથી જાણેલી હકીકતો પક્ષની નવરચના કરવામાં મદદરૂપ થશે. મનસેના નેતા અવિનાશ અભયંકરે જણાવ્યું હતું કે પક્ષના પ્રમુખ તરીકે ઠાકરે તેમના પક્ષના બધા કાર્યકરોને મળીને તેમનાં મંતવ્ય જાણી રહ્યા છે, દરેક પક્ષને ઉતાર ચઢાવ તો આવે જ છે અને આ કામચલાઉ તબક્કો છે.

મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં મનસેનો દેખાવ ઘણો નબળો રહ્યો હતો. તેની બેઠકો 28માંથી ઘટીને માત્ર 7 થઈ ગઈ હતી.

એવી જ રીતે રાજ્ય વિધાનસભામાં પણ તેની બેઠકો 13થી ઘટીને માત્ર એક થઈ ગઈ હતી. નાશિક મહાપાલિકા પર 40 બેઠકો સાથે મનસેનો કબજો હતો, ત્યાં પણ તેણે માત્ર ત્રણ બેઠકો મેળવીને પાલિકામાં સત્તા ગુમાવી હતી.

રાજકીય નિરીક્ષકોએ જણાવ્યું હતું કે જો મનસેએ સારો દેખાવ કરવો હશે તો ખુદ રાજ ઠાકરેએ મહેનત કરવી પડશે. પક્ષના કાર્યકરોને લાગતું હતું કે ઠાકરે તેમને મળવા દુર્લભ છે, એમ રાજકીય સમીક્ષક સુરેન્દ્ર જોનધાવેનું કહેવું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer