બ્રાન્ડેડ અનાજ-કઠોળ પર પાંચ ટકા જીએસટી રદ નહીં થાય ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે : ગ્રોમા
આજે વિલે પાર્લેમાં અમિત શાહ સમક્ષ રજૂઆત કરાશે

મણિલાલ ગાલા તરફથી

નવી મુંબઈ, તા. 17 : બ્રાન્ડેડ અનાજ-કઠોળ પર શૂન્ય વૅટમાંથી પાંચ ટકા જીએસટી લાદવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો અહીંના દાણા બંદરના વેપારીઓએ જોરદાર વિરોધ કર્યો છે અને તે તત્કાળ પાછો ખેંચી લેવા જાહેરાત કરવાની માગણી કરી છે.

અનાજ-કઠોળ, તેલીબિયાના જથ્થાબંધ વેપારીઓની 118 વર્ષ જૂની પ્રતિષ્ઠિત સંસ્થા ગ્રેન, રાઇસ ઍન્ડ અૉઇલ સીડ્સ મરચન્ટ્સ ઍસોસિયેશન (ગ્રોમા)ની જનરલ સભામાં આજે મળી હતી. તેમાં સર્વાનુમતે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે બ્રાન્ડેડ અનાજ-કઠોળ પર શૂન્ય કરવેરો જાહેર ન થાય ત્યાં સુધી દરેક સરકારી સ્તરે રજૂઆત કરવી અને જરૂર પડયે બંધની પણ તૈયારી રાખવી.

`ગ્રોમા'ના પ્રમુખ શરદકુમાર દેવરાજ મારૂએ જણાવ્યું હતું કે અમે સ્થાનિક સાંસદો સમક્ષ રજૂઆત કરીશું. આવતી કાલે આ સંબંધમાં ભાજપના પ્રમુખ અમિત શાહને પણ મળવાના છીએ. મહારાષ્ટ્રના નાણાપ્રધાન સુધીર મુનગંટ્ટીવાર સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છીએ. કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીને પણ પત્ર લખ્યો છે. બ્રાન્ડેડ  અનાજ-કઠોળ પરના જીએસટી અંગે હજી કોઈ સ્પષ્ટતા નથી. જ્યાં સુધી તમામ અનાજ-કઠોળ પર શૂન્ય જીએસટી નહીં થાય ત્યાં સુધી અમારો સંઘર્ષ ચાલુ રહેશે.

`ગ્રોમા'ના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ જેઠાલાલ ગજરાએ જણાવ્યું હતું કે હાલ મોટા ભાગે માલ બ્રાન્ડેડ અને માર્કાવાળો આવે છે, જો તેના પર પાંચ ટકા ડયૂટી લાગશે તો આમઆદમી પર બોજો આવી પડશે. જીવનાવશ્યક ચીજોના ભાવમાં વધારો થશે. ફરી ઇન્સ્પેક્ટર અને લાઈસન્સરાજ આવશે આથી અમે જીએસટીનો સખત વિરોધ કરીએ છીએ. કૃષિ પેદાશો પર ટૅક્સ નાખવો ગેરવાજબી છે. ટૅક્સ લગાવવાથી ભ્રષ્ટાચાર પણ વધશે.

આ સભામાં જીએસટી ઍક્શન કમિટી રચવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં જોઇન્ટ સેક્રેટરીઓ અશોકભાઈ ભીમજી બડિયા, અમૃતલાલ ઘીસુલાલ જૈન અને ભીમજીભાઈ શિવજી ભાનુશાલી પણ ઉપસ્થિત રહ્યા હતા. આજની બેઠકમાં લગભગ 450 જેટલા વેપારીઓ હાજર રહ્યા હતા.