મોહમ્મદ ડોસા છટકી ગયો હતો : પોલીસનો એકરાર
મુંબઈ, તા. 17 : શહેરમાં 1993ના શ્રેણીબંધ બૉમ્બવિસ્ફોટ કેસમાં કાવતરા અને તેના અમલ બદલ સ્પેશિયલ ટાડા કોર્ટે છ જણને દોષી ઠેરવ્યા છે ત્યારે બીજી બાજુએ મુંબઈ પોલીસની ગુનાશોધક શાખાએ એ વાતનો એકરાર કર્યો છે કે આ કેસમાં જે આરોપીની સૌથી વધુ તલાશ હતી તે આરોપી મુસ્તફા ડોસાનો ભાઈ બે વર્ષ પૂર્વે તેમના હાથમાંથી છટકી ગયો હતો. આ કેસમાં 33 આરોપીઓ નાસતા ફરી રહ્યા છે. દાઉદ ઈબ્રાહિમના કહેવાતા વિશ્વાસુ મોહમ્મદ ડોસાની કાવતરામાં કહેવાતી ભૂમિકા બદલ પોલીસને તલાશ છે.

મુંબઈમાં 1993ના 12મી માર્ચે વિસ્ફોટ થયા તે પૂર્વે ડોસા અને ટાઈગર મેમણ દેશબહાર જતા રહ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે 2015ના 19 નવેમ્બરે મુંબઈની ગુનાશોધક શાખાએ ડોસા અબુધાબી જઈ રહ્યો હોવાની માહિતી ઈન્ટરપોલને આપી હતી.

મુંબઈ પોલીસે લખેલા પત્રનો જવાબ ઈન્ટરપોલે 21 નવેમ્બરે આપ્યો હતો. એક મહિના બાદ 17 ડિસેમ્બરે અબુધાબીમાં ઈન્ટરપોલે ડોસાની અટક કરી હતી, પરંતુ થોડા દિવસો બાદ તેને જવા દેવામાં આવ્યો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ કેસને ગુનાશોધક શાખાએ આગળ કેમ નહીં ધપાવ્યો તે સ્પષ્ટ થયું નથી. જોકે, સૂત્રોએ જણાવ્યું હતું કે ઈન્ટરપોલ તરફથી તેમને આવશ્યક સહકાર મળ્યો ન હતો.