નંબર 1 ખેલાડીને હરાવી શ્રીકાંતનો ઇન્ડોનેશિયા સુપર ફાઇનલમાં પ્રવેશ
નંબર 1 ખેલાડીને હરાવી શ્રીકાંતનો ઇન્ડોનેશિયા સુપર ફાઇનલમાં પ્રવેશ નવી દિલ્હી/જકાર્તા, તા.17 : ભારત માટે ઈન્ડોનેશિયા ઓપન સુપર સીરિઝ બેડમિન્ટન સ્પર્ધામાં આજે મિશ્ર દિવસ રહ્યો હતો. એક તરફ કિદામ્બી શ્રીકાંતે વિશ્વના નંબર એક ખેલાડી કોરિયાના સોન વાન હોને આંચકારૂપ પરાજય આપીને પુરુષ સિંગલ્સની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો તો એચએસ પ્રણયનો જાપાનના કાજૂ માસા સકઈની સામે પરાજય થતાં તેના અભિયાનનો અંત આવ્યો હતો.

જાકાર્તાના કન્વેન્શન સેન્ટર (જેસીસી)માં રમાયેલી મહત્ત્વની મેચમાં 22મા ક્રમાંકિત શ્રીકાંતે કોરિયાના નં.1 ખેલાડીને ત્રણ ગેમમાં 21-15, 14-21 અને 24-22થી પરાજય આપ્યો હતો.

જોકે શ્રીકાંતનો સાથીદાર પ્રણય નસીબદાર રહ્યો ન હતો. વિશ્વ રેન્કિંગમાં 47મા ક્રમાંકિત કાજૂ માસાએ બિનક્રમાંકિત પ્રણયને સેમિફાઈનલમાં આકરા સંઘર્ષ પછી 17-21, 28-26 અને 21-18થી હાર આપીને ફાઈનલ મુકાબલામાં પ્રવેશ કર્યો હતો. પ્રણયનો આ મુકાબલો એક કલાક 16 મિનિટ ચાલ્યો હતો. પ્રણયે ગત મેચમાં આઠમા ક્રમાંકિત ચીનના ચેન લોંગને 21-18, 16-21, 21-19થી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો પરંતુ તે અભિયાનને આગળ ધપાવી શક્યો ન હતો.