મહારાષ્ટ્રના રૂા. 4511 કરોડની મહેસૂલી ખાધ ધરાવતા કૃષિલક્ષી બજેટમાં શરાબ અને લૉટરી પરના વેરામાં વધારો

મહારાષ્ટ્રના રૂા. 4511 કરોડની મહેસૂલી ખાધ ધરાવતા કૃષિલક્ષી બજેટમાં શરાબ અને લૉટરી પરના વેરામાં વધારો
અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સભ્યો દ્વારા સતત નારાબાજી અને વિક્ષેપ વચ્ચે મહારાષ્ટ્રના નાણાપ્રધાન સુધીર મુનગંટ્ટીવારે કૃષિ ક્ષેત્રતરફી અને 4511 કરોડની મહેસૂલી ખાધ ધરાવતું નાણાકીય વર્ષ 2017-18નું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કર્યું હતું.

આ બજેટમાં રૂા. 2,43,737 કરોડ મહેસૂલી આવક અને રૂા. 2,48,248 કરોડ મહેસૂલી ખર્ચ દેખાડવામાં આવ્યો છે. વર્ષના અંતે મહેસૂલી ખાધ રૂા. 4511 કરોડ રૂપિયાને સરભર કરવા માટે લૉટરી અને શરાબ ઉપરના વેરા વધારીને 396 કરોડ રૂપિયા મેળવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. શેષ ખાધ સરભર કરવા ખર્ચમાં કરકસર કરવાની નેમ નાણાપ્રધાન મુનગંટ્ટીવારે રાખી છે.

મુનગંટ્ટીવારે બે કલાક લાબું બજેટ વક્તવ્ય આપ્યું ત્યારે કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીના સભ્યોએ ગૃહની મધ્યમાં જઈ સતત નારાબાજી કરી હતી. કેટલાક સભ્યોએ મંજિરા વગાડયા હતા. વિપક્ષી સભ્યો આ સરકાર બજેટમાં વચનોનું ગાજર દેખાડે છે એવું લખાણ ધરાવતું બૅનર લઈ આવ્યા હતા. સ્પીકર હરિભાઉ બાગડેએ મુનગંટ્ટીવારના વક્તવ્ય દરમિયાન વિપક્ષી સભ્યો જયકુમાર ગોરે અને અબ્દુલ સત્તારને ચેતવણી આપી હતી. પરંતુ તેની કોઈ અસર થઈ નહોતી.

આ બજેટમાં માળખાકીય સગવડો ઊભી કરવા માટે `મહાઈન્ફ્રા' એજન્સી સ્થાપવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. મુંબઈ અને નાગપુરમાં મેટ્રો માટે 700 કરોડ રૂપિયા, મુંબઈ વિદ્યાપીઠમાં અર્થશાત્ર વિભાગ માટે 25 કરોડ, સ્વતંત્ર ઓ. બી. સી. મહામંડળ માટે 2384 કરોડ રૂપિયા અને વન વિસ્તારમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે 80 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

કૃષિલક્ષી અંદાજપત્ર

કૃષિ ક્ષેત્રલક્ષી બજેટમાં જળસ્રોત ખાતા માટે 8233 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. દુષ્કાળને ખતમ કરવા માટે મરાઠવાડામાં વોટરગ્રીડ સ્થાપવામાં આવશે. દર વરસે 5000 ગામોને દુષ્કાળમુક્ત કરવાની મહત્ત્વાકાંક્ષી જળયુક્ત શિવાર યોજના માટે અત્યાર સુધી 1600 કરોડ અપાયા છે. આગામી વર્ષમાં 1200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પંજાબરાવ દેશમુખ વ્યાજ રાહત યોજના માટે 125 કરોડ, કૃષિ પંપની જોડણી માટે 979 કરોડ, એગ્રો માર્કેટ માટે 50 કરોડ, કૃષિ પંપના જોડાણ માટે 979 કરોડ અને વીજ જોડાણ માટે 981 કરોડની ફાળવણી કરવામાં આવી છે.     

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer