ન્યૂ ઈન્ડિયામાં સૌને અવસર, સૌને પ્રોત્સાહન : નરેન્દ્ર મોદી
ન્યૂ ઈન્ડિયામાં સૌને અવસર, સૌને પ્રોત્સાહન : નરેન્દ્ર મોદી મુંબઈ, તા. 18 : મુંબઈમાં યોજાયેલા ઈન્ડિયા ટૂ-ડે કોનક્લેવમાં દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે ન્યુ ઈન્ડિયામાં તમામ લોકોને સમાન અવસર મળશે અને સમાન પ્રોત્સાહન મળશે.ન્યુ ઈન્ડિયામાં કોઇ પર ઉપકાર નહીં પણ સૌને મોકો મળશે જેથી 2022 સુધીમાં દેશને બદલવા માટે તમામ લોકોનો સહયોગ મળી શકે. લોકોને અપીલ કરતાં એક કરોડ ગેસ ધારકોએ સબસિડી છોડી દીધી છે. આમ લોકોને સાથે જોડયા વિના દેશનો વિકાસ શક્ય નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ કહ્યું હતું કે તમારા ગામ, શહેર અને વિસ્તારને બદલવા માટે સહકાર આપો. અમારી સરકારે દેશમાં અટકી પડેલી આઠ લાખ કરોડ રૂપિયાની યોજનાઓને આગળ વધારી છે અને વળી છેલ્લા કેટલાય વર્ષોથી અટકી પડેલા જીએસટીના મુદ્દે સૌની સંમતિ સાધવામાં આવી છે અને હવે ટૂંક સમયમાં તે દેશભરમાં લાગુ કરાશે. આઝાદી બાદ આ સૌથી મોટો ટેક્સ બદલાવ છે. ભ્રષ્ટાચારને રોકવા માટે સરકારે પગલાં લીધાં અને હવે ટ્રાન્સપરન્સી વધી છે. 20 કરોડ લોકોને ડેબિટ કાર્ડ આપવામાં આવ્યાં છે. દેશમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ ચાર કરોડ શૌચાલયો બાંધવામાં આવ્યાં છે.

વડા પ્રધાને કહ્યું હતું કે 20 વર્ષમાં ટેકનોલોજીમાં ઘણો બદલાવ આવ્યો છે અને હવે એવું નથી કે દેશમાં સત્તા પરિવર્તન થાય એટલે દેશ બદલાય. સૌનો સાથ મળે તો વિકાસ શક્ય છે.