ઉત્તરાખંડના સીએમ બનતા ત્રિવેન્દ્રસિંહ
ઉત્તરાખંડના સીએમ બનતા ત્રિવેન્દ્રસિંહ વડા પ્રધાન મોદીની હાજરીમાં પદના સોગંદ લીધા : કુલ નવ પ્રધાનના પણ શપથ

દેહરાદૂન, તા.18 : દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડ પર ત્રિવેન્દ્રસિંહ રાવતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે સોગંદ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સોગંદ બાદ ત્રિવેન્દ્રસિંહને રૂબરૂ તેમજ બાદમાં ટ્વિટર પર પણ અભિનંદન આપ્યાં હતાં.

રાજ્યપાલ ડો. કે.કે. પોલે ત્રિવેન્દ્રસિંહને પદ અને ગુપ્તતાના સોગંદ લેવડાવ્યા હતા. તે પછી સતપાલ મહારાજ, પ્રકાશ પંત, ડો. હરકસિંહ રાવત,મદન કૌશિક, યશપાલ આર્ય, અરવિંદ પાંડે, સુબોધ ઉપાધ્યાયે કેબિનેટ મંત્રી તરીકે અને રેખા આર્ય, ધનસિંહ રાવતે રાજ્યકક્ષાના મંત્રી તરીકે સોગંદ લીધા હતા.

મંત્રીઓના શપથગ્રહણ દરમ્યાન સમર્થકોએ નારાઓ લગાવ્યા હતા. શપથ બાદ વડાપ્રધાન મોદીએ સૌથી પહેલાં ત્રિવેન્દ્રસિંહને અભિનંદન આપ્યાં હતાં. તેમણે મંત્રીમંડળ સાથે તસવીર પણ ખેંચાવી હતી.

મોદી તે પછી સમારોહસ્થળે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રીઓને મળ્યા હતા તથા લોકોને ઉદબોધન કર્યા બાદ સમારોહસ્થળેથી વિદાય લીધી હતી.

ઉલ્લેખનીય છે કે મંત્રીમંડળમાં બે સ્થાન ખાલી રાખવામાં આવ્યાં છે જેના પર નામની ઘોષણા ટૂંક સમયમાં કરવામાં આવશે.

હાલમાં જ સંપન્ન વિધાનસભા ચૂંટણીમાં 70 બેઠકો પૈકી 57 પર વિજય મેળવીને ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી હતી.

મુખ્યમંત્રી રાવત સંઘને વફાદાર નેતા માનવામાં આવે છે. તેઓ 2013માં પક્ષના રાષ્ટ્રીય મંત્રી તરીકે પસંદ થયા હતા. એ પછી 2014માં ઉત્તરપ્રદેશ માટે તેઓ પક્ષના પ્રભારી બન્યા હતા. વિધાનસભાની મહત્ત્વની ચૂંટણી અગાઉ તેમને ઝારખંડમાં ભાજપના ઈનચાર્જ બનાવવામાં આવ્યા હતા.