મારુતિ હિંસા કેસમાં 13ને આજીવન કેદ
ગુડગાંવ, તા. 18 : 2012માં મારૂતિ સુઝુકીના માનેસરનાં પ્લાન્ટમાં થયેલી હિંસાના બનાવમાં હરિયાણાની ગુડગાંવ કોર્ટે 13 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે ચાર આરોપીઓને પાંચ વર્ષની સજા આપવામાં આવી છે. આ ઉપાંત અન્ય 14 દોષિતોને 3 વર્ષની કેદની સજા આપી હતી જેઓ સજા પુરી કરી ચુક્યા છે. 

ગત 10મી માર્ચે કોર્ટે ચુકાદો આપતા 31 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. જ્યારે 117 લોકોને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. 18 જુલાઈ 2012મા મારૂતિ સુઝુકીના માનેસર પ્લાન્ટમાં હડતાલ દરમિયાન હિંસા ફાટી નિકળી હતી જેમાં 98 લોકોને ઈજા પહોંચી હતી. આ હિંસામાં જનરલ મેનેજર અવનીશ દેવ જીવતા સળગી જતા મૃત્યુ પામ્યા હતા. આ ઘટના બાદ પ્લાન્ટના 525 કર્મચારીઓને છૂટા કરવામા આવ્યા હતા. આ કેસમાં કુલ 148 લોકો સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.