બે લાપતા ભારતીય મૌલવી પાકની ગુપ્તચર એજન્સીના તાબામાં
બે લાપતા ભારતીય મૌલવી પાકની ગુપ્તચર એજન્સીના તાબામાં એમક્યુએમ સાથે કથિત સંબંધોને કારણે અટકાયત

નવી દિલ્હી, તા. 18 : હઝરત નિઝામુદ્દીન દરગાહના પાકિસ્તાન જઈને લાપતા મનાતા બે મૌલવીઓ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીની કસ્ટડીમાં હોવાની બાબત સામે આવી છે.

પાકિસ્તાનના સત્તાવાર સૂત્રો દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીએ આસિફ નિઝામી અને નજીમ નિઝામીને અટકાયતમાં રાખ્યા છે. 

એવું કહેવાઈ રહ્યું છે કે એજન્સીએ બંનેને કોઈ અજ્ઞાત સ્થળે રાખ્યા છે. આ બંનેના મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ (એમક્યુએમ)ના નેતા અલ્તાફ હુસૈન સાથેના કથિત સંબંધોને કારણે તેમને અટકાયતમાં લેવાયા હોવાનું સૂત્રોએ કહ્યું હતું. જો કે, તેમની અટકાયતને લઈને કોઈ સત્તાવાર કારણ આપવામાં આવ્યું નથી.

દિલ્હીની નિઝામુદ્દીન દરગાહના મૌલવી સૈયદ આસિફ નિઝામી અને તેમના ભત્રીજા નજીમ નિઝામી ગત આઠમી માર્ચે પાકિસ્તાન ગયા બાદ લાહોર હવાઈ મથકેથી લાપતા બનતાં ચકચાર જાગી હતી.