સુરેશ પ્રભુએ કરી નવી રેલ સેવાની શરૂઆત રેલવે સ્ટેશનો પર હાઈસ્પીડ વાઇફાઇ સહિત વિવિધ સેવાઓ રાષ્ટ્રને સમર્પિત

સુરેશ પ્રભુએ કરી નવી રેલ સેવાની શરૂઆત રેલવે સ્ટેશનો પર હાઈસ્પીડ વાઇફાઇ સહિત વિવિધ સેવાઓ રાષ્ટ્રને સમર્પિત
અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : રેલવેપ્રધાન સુરેશ પ્રભુએ આજે લોકમાન્ય તિલક ટર્મિનસમાં યોજાયેલા એક સમારોહમાં પશ્ચિમ રેલવેના સુરત, ઇન્દોર અને રાજકોટ સ્ટેશનો પર હાઈસ્પીડ વાઈ-ફાઇસહિત વિવિધ નવી સેવા-સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં મધ્ય રેલવેના જનરલ મૅનેજર ડી.કે. શર્મા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રભુએ `મેઇક ઇન ઇન્ડિયા' હેઠળ પ.રે. દ્વારા સ્વદેશી ટેક્નૉલૉજીથી બનાવાયેલી મેધા  રેકથી ચાલતી ટ્રેનને લીલી ઝંડી દાખવી રવાના કરી હતી. તેમણે ચર્ચગેટ સ્ટેશને સોલાર પાવર પ્લાન્ટ તેમ જ સુરત, ઇન્દોર અને રાજકોટમાં વાઈ-ફાઈ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરી હતી.

`મેઇક ઇન ઇન્ડિયા' મેધા રેક સ્વદેશી ટેક્નૉલૉજીથી નિર્મિત દેશની પહેલી રેક છે.

પ્રભુએ જણાવ્યું હતું કે જ્યાં શક્ય હોય ત્યાં રેલવે પરિસરમાં સોલાર પ્લાન્ટ લગાડવા જોઈએ જેથી વીજબચત કરી શકાય. ચર્ચગેટમાં લગાડેલા રૂા. 75 લાખના પ્લાન્ટથી દર વર્ષે 1.5 લાખ યુનિટ વીજઉત્પાદન થશે. વધુમાં હાઈસ્પીડ વાઇફાઈથી પ્રવાસીઓને વિશ્વસ્તરની ઇન્ટરનેટ સેવા મળી શકશે એમ તેમણે કહ્યું હતું.

પ્રવાસીઓને વાઈ-ફાઈ સેવા રેલટેલના રિટેલ બ્રોડબેન્ડ ડિસ્ટ્રિબ્યુશન મોડેલ `રેલટેલ' મારફત પ્રદાન કરાશે. રેલવે સ્ટેશન એક એવું સ્થળ છે જ્યાં સમાજનો વિભિન્ન વર્ગ મળતો હોય છે. અત્યાર સુધીમાં 115 સ્ટેશનો પર હાઈસ્પીડ વાઈ-ફાઈ સેવા ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું પ્રભુએ વધુમાં જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer