પંજાબમાં હાઈવેની આજુબાજુ 500 મીટર સુધી શરાબની દુકાનો રહેશે નહીં
નવી એક્સાઇઝ પોલિસીને અમરિન્દર કૅબિનેટ દ્વારા અંતે મંજૂરી અપાઈ : અમરિન્દર સરકારનો પ્રથમ મોટો નિર્ણય

ચંદીગઢ, તા. 18: પંજાબને નશાના સકંજામાંથી મુક્ત કરાવવાના ઇરાદા સાથે સત્તામાં આવેલી કોંગ્રેસની સરકારે આ દિશામાં પ્રયાસો શરૂ કરી દીધા છે. કેપ્ટન અમરિન્દરાસિંહે પ્રથમ પ્રહાર આજે કરી દીધો હતો. કેબિનેટની બેઠકમાં નવી એક્સાઇઝ પોલિસીને મંજૂરી આપી દેવામાં આવી હતી. નવી નીતિ હેઠળ નેશનલ અને સ્ટેટ હાઈવેના 500 મીટરની અંદર શરાબના કારોબાર ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. પંજાબ કેબિનેટે નાણાંકીય વર્ષ 2017-18 માટે જે નવી આબકારી નીતિને મંજુરી આપવામાં આવી છે તે શરાબ વેન્ડરોની સંખ્યાને ઘટાડી દેશે. પંજાબમાં હાલમાં શરાબની દુકાનોની સંખ્યા 6384 જેટલી છે. નવી આબકારી નીતિ હેઠળ આ સંખ્યા ઘટાડીને 5900 સુધી લાવવામાં આવનાર છે. આ અગાઉ થોડાક દિવસ પહેલા જ પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરાસિંહે કહ્યું હતું કે, તેમની સરકાર પંજાબમાં નશાના  કારોબાર ઉપર અંકુશ મુકવાના હેતુસર ખાસ સીટની રચના કરશે. કેપ્ટન અમરિન્દરાસિંહના નેતૃત્વમાં સરકાર સામે એક પછી એક નવા પડકારો રહેલા છે. 10 વર્ષના લાંબાગાળા બાદ પંજાબમાં કોંગ્રેસની સરકારની વાપસી થઇ છે.