સોના-ચાંદીના વાયદાના ભાવમાં એકંદરે નરમાઈ : બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ : ક્રૂડતેલમાં ઢીલાશ
કૉટન, એરંડામાં વૃદ્ધિ: મેન્થા તેલ ઘટ્યું: સીપીઓ, એલચીમાં બેતરફી વધઘટ: કોમડેક્સ 22.76 પૉઈન્ટ ઘટ્યો

મુંબઈ, તા. 18 : એમસીએક્સ પર વિવિધ કૉમોડિટી વાયદાઓમાં સમીક્ષા હેઠળના સપ્તાહ (10થી 16 માર્ચ) દરમિયાન 20,49,160 સોદામાં રૂા.89,715.39 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં એકંદરે નરમાઈ રહી હતી. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ ભાવમાં રહ્યું હતું. તાંબુ અને જસત વધવા સામે નિકલ, એલ્યુમિનિયમ અને સીસું ઘટ્યા હતા. એનર્જીમાં ક્રૂડતેલ અને નેચરલ ગેસ બંનેમાં ઢીલાશ ભાવમાં રહી હતી. કૃષિ કૉમોડિટીઝમાં કૉટનમાં છ લાખ ગાંસડીથી વધુના વોલ્યુમ સાથે વાયદાના ભાવ વધી આવ્યા હતા. મેન્થા તેલના વાયદા ઘટવા સામે સીપીઓ અને એલચીના વાયદાના ભાવમાં બેતરફી વધઘટ રહી હતી. કોમડેક્સ સપ્તાહ દરમિયાન 22.76 પોઈન્ટ ઘટ્યો હતો.

કીમતી ધાતુઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂા.28,350 ખૂલી, સપ્તાહના અંતે રૂા.35 ઘટી રૂા.28,411 બંધ રહ્યો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂા.28,540 અને નીચામાં રૂા.27,907 બોલાયો હતો. સોનું-મિનીનો એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂા.28,420 ખૂલી, સપ્તાહના અંતે રૂા.55 ઘટી બંધમાં રૂા.28,436ના ભાવ રહ્યા હતા, જ્યારે ગોલ્ડ-ગિનીનો માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂા.23,102 ખૂલી, સપ્તાહના અંતે રૂા.13 ઘટી રૂા.23,146ના સ્તરે રહ્યો હતો. ગોલ્ડ-પેટલનો માર્ચ વાયદો અપવાદરૂપ 1 ગ્રામદીઠ રૂા.2 સુધરી બંધમાં રૂા.2,881ના ભાવ રહ્યા હતા. સોનાનો દૂર ડિલિવરીનો ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂા.63 ઘટી રૂા.28,523ના સ્તરે હતો.

કૃષિ કોમોડિટીઝમાં કૉટનના વાયદા રૂા.30થી રૂા.70ની રેન્જમાં વધ્યા હતા. કૉટનનો માર્ચ વાયદો ગાંસડીદીઠ રૂા.21,240 ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂા.21,470 અને નીચામાં રૂા.20,950ના સ્તરને સ્પર્શતા સપ્તાહના અંતે રૂા.30 વધી રૂા.21,360 બંધ રહ્યો હતો. સીપીઓનો માર્ચ વાયદો 10 કિલોદીઠ રૂા.526 ખૂલી, સપ્તાહના અંતે રૂા.3.70 વધી રૂા.530.90 થયો હતો, જ્યારે સીપીઓનો દૂર ડિલિવરી જુલાઈ વાયદો રૂા.19.20 ઘટી બંધમાં રૂા.492.80ના ભાવ રહ્યા હતા. એલચીનો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂા.3.90 વધી રૂા.1,406.40 થયો હતો.