આવકવેરા વિભાગે 448 કરોડના વેરા નહીં ભરનારાઓને તરત ભરવા સલાહ આપી

નવી દિલ્હી, તા. 18 (પીટીઆઇ): બાકી વેરા નહીં ભરતા લોકોના નામ જાહેર કરીને શરમજનક સ્થિતિમાં મૂકવાની રણનીતિ હેઠળ આવકવેરા વિભાગે આજે જેમણે 448.02 કરોડ રૂપિયાના વેરા ભર્યા નથી તેવી 29 કંપનીઓ અને લોકોના નામ જાહેર કર્યા હતા.

દેશના રાષ્ટ્રીયકક્ષાના અગ્રણી અખબારોમાં જાહેરાતો જારી કરી અને આવકવેરા વિભાગે આવકવેરા અને કંપની વેરા નહીં ભરનાર લોકો અને કંપનીઓની યાદી જાહેર કરી છે.

બીજીતરફ આ સાર્વજનિક કરાયેલી યાદીમાં સામેલ તમામને વેરાતંત્ર તરફથી બાકી વેરાની રકમ સત્વરે ભરી દેવાની સલાહ પણ આપી છે.

આવકવેરા વિભાગ અગાઉ પણ આવું પગલું ભરી ચૂક્યો છે. અગાઉ પણ જેમના પર વેરાની ભારી રકમ બાકી બોલે છે તેવા 67 લોકોની યાદી જાહેર કરાઇ હતી.

જોકે ત્યારે કાં તો આવા લોકોના ઠામ-ઠેકાણા જ આવકવેરા તંત્રને મળી શક્યા નહોતા અથવા જેમનો પતો મળ્યો હતો તેવા લોકો પાસેથી વેરાની વસૂલાત કરી શકાય તે માટે કોઇ સંપત્તિ જ નહોતી.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સામાન્ય જનતામાં જાગૃતિ આવે અને કોઇ જાણકારી મળે તો આવકવેરા વિભાગને આપી શકે તે માટે જાહેર કરાયેલી યાદીમાં લોકોના અને કંપનીઓના પાન નંબર, અંતિમ ઉપલબ્ધ સરનામું અને બાકી વેરાની રકમની જાણકારી પણ જાહેર કરાઇ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer