દુર્ઘટના બાદ કાર સળગી જતાં રેસર અશ્વિન અને પત્નીનું મોત
દુર્ઘટના બાદ કાર સળગી જતાં રેસર અશ્વિન અને પત્નીનું મોત ચેન્નઈ ખાતેના અકસ્માતથી ખેલચાહકોમાં શોકની લાગણી

ચેન્નઈ, તા. 18: આંતરરાષ્ટ્રીય કાર રેસિંગ ચેમ્પિયન અશ્વિન સુંદર અને તેની પત્નીનું એક દુર્ઘટના બાદ કાર સળગી જવાથી નિધન થઈ જતાં શોકની લાગણી ફેલાઈ છે. ગઈ રાત્રે 27 વર્ષીય સુંદરની કાર એક વૃક્ષ સાથે ટકરાઈ ગયા બાદ તેમાં આગ ફાટી નીકળી હતી. ઉલ્લેખનીય છે કે, અશ્વિન 2012 અને 2013માં એલજીબી એફ 4 શ્રેણીમાં રાષ્ટ્રીય ચેમ્પિયન રહ્યો હતો.

પોલીસે કહ્યું હતું કે સુંદર અને તેના પત્ની કારની અંદર જ ફસાઈ ગયા હતા. બન્ન્ને કારને ખોલી શકયા ન હતા. કાર વૃક્ષ અને દીવાલ વચ્ચે અટવાઈ હતી. જેમાં વિનાશકારી આગ ફાટી નીકળી હતી. બન્નેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. નિવેદિતા તબીબ હતી અને તે એક ખાનગી હોસ્પિટલમાં કામ કરી રહી હતી. નજીકથી પસાર થઈ રહેલી એક વ્યક્તિએ તરત જ ચેન્નાઈ પોલીસને જાણ કરી હતી. પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. જો કે સમય નીકળી ગયો હોવાથી બંનેને બચાવી શકાયા ન હતા.