ટેકસ્ટાઇલ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને વેરામાંથી મુક્તિ : શરાબ મોંઘો થશે સ્વાઇપ મશીન તેમ જ ગૅસ અને વીજળીના ચૂલાને વેરામાંથી મુક્તિ

ટેકસ્ટાઇલ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને વેરામાંથી મુક્તિ : શરાબ મોંઘો થશે સ્વાઇપ મશીન તેમ જ ગૅસ અને વીજળીના ચૂલાને વેરામાંથી મુક્તિ
અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્રના નાણાપ્રધાન સુધીર મુનગંટ્ટીવારે આજે વિધાનસભામાં રજૂ કરેલા નાણાકીય વર્ષ 2017-18ના અંદાજપત્રમાં લૉટરી અને શરાબ ઉપરના વેરામાં વધારો કરવામાં આવ્યો છે જ્યારે પ્રોસેસ્ડ સ્વીટકોર્ન ઇન્ડસ્ટ્રી, ટેક્સ્ટાઇલ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી, યાર્ન વાર્પિંગ અને સાઇઝિંગ ઇન્ડસ્ટ્રીને કરવેરાની અસ્પષ્ટ જોગવાઈને કારણે વેઠવી પડતી અગવડો દૂર કરવામાં આવી છે.

જીવનજરૂરી ચીજોને વેરામાં છૂટ

ઘઉં, ચોખા, કઠોળ અને તેનો લોટ, હળદર, રેઇસીન્સ ક્યુરેન્ટસ, મરચાં, આમલી, ગોળ, નાળિયેર, સુવા, પાપડ, ખજૂર, સોલાપુરી ચાદર, ટોવલ, ધાણા અને મેથીને 31મી માર્ચ, 2017 સુધી વેરામાંથી મુક્તિ અપાઈ હતી. તેને હવે જીએસટીનો અમલ શરૂ થાય ત્યાં સુધી વેરામાં મુક્તિ અપાશે. ચા ઉપર જીએસટી લાગુ પડે ત્યાં સુધી છ ટકાના દરે વેરો લેવાશે. 'ડિજિટલ ઇન્ડિયા'ની સંકલ્પનાને બળ આપવા માટે સ્વાઇપ મશીન, દૂધમાં ભેળસેળને રોકવા માટે તેની ચકાસણી માટેનાં ઉપકરણો, જમીનની ગુણવત્તા અને ફળદ્રુપતા ચકાસવાનાં ઉપકરણો તેમ જ વૃક્ષોને બચાવવા માટે ગૅસ અને વીજળી વડે ચાલતા ચૂલા ઉપર હાલ 13.5 ટકા `વેટ' છે તેને રદ કરવામાં આવશે.

વિદેશી શરાબ, ભારતમાં બનેલો વિદેશી શરાબ અને દેશી શરાબના ઉત્પાદકો અને આયાતકારોને હાલ 23.08 ટકા `વેટ' લેવાય છે હવે તેની મહત્તમ છૂટક કિંમત ઉપર 25.93 ટકા વેટ લેવાશે.

અૉનલાઇન અને પેપર લૉટરી ઉપર હાલ ડ્રોના આધારે વેરો લેવાય છે. હવે સાપ્તાહિક લૉટરી ઉપરનો વેરો 70,000 રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરાશે.

એવીએશન ટર્બાઇન ફ્યુઅલ પરનો વેરો ઘટશે

મહારાષ્ટ્રમાં અમરાવતી, ગોંદિયા, નાશિક, જળગાંવ, નાંદેડ, સોલાપુર, કોલ્હાપુર, રત્નાગિરિ, શિરડી અને સિન્ધુદુર્ગ એમ દસ સ્થળોએ નાનાં વિમાનમથક બાંધવામાં આવશે તેથી આગામી દસ વર્ષ સુધી વિમાન માટેના એવીએશન ટર્બાઇન ફ્યુઅલ ઉપરનો વેરો પાંચ ટકાથી ઘટાડીને એક ટકા કરાશે.

સ્વીટ કોર્ન ઇન્ડસ્ટ્રીને વેરામાંથી મુક્તિ

પ્રક્રિયા કરેલા સ્વીટ કોર્નનો સંબંધ એગ્રો પ્રોસેસિંગ સાથે છે તેથી તેને પ્રોત્સાહન આપવું જોઈએ. પ્રોસેસ કરાયેલી સ્વીટ કોર્ન ઉપરના વેરા અંગે 31મી માર્ચ, 2016 સુધી અનિશ્ચિતતા પ્રવર્તતી હતી. તેના કારણે આ ઉદ્યોગ ઉપર ખરાબ અસર થઈ હતી. તેથી પહેલી એપ્રિલ, 2005થી 31મી માર્ચ 2016 સુધીના સમયગાળા માટે પ્રોસેસ્ડ સ્વીટ કોર્નને વેરામાંથી મુક્તિ અપાશે.

ટેકસ્ટાઇલ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને વેરામાંથી મુક્તિ

કેન્દ્ર સરકાર દ્વારા એડિશનલ ડયૂટીસ અૉફ એક્સાઇઝ ઍક્ટમાં થયેલા સુધારાને કારણે ટેકસ્ટાઇલ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી પર આઠમી એપ્રિલ, 2011થી વેરો લાદવામાં આવ્યો હતો. જોકે બાદમાં પહેલી મે, 2012થી તેને વેરામાંથી મુક્તિ આપવામાં આવી હતી. તે સંજોગોને ધ્યાનમાં લઇને જે ટેકસ્ટાઇલ પ્રોસેસરોએ આઠમી પ્રેપ્રિલ, 2011થી 30મી એપ્રિલ, 2012 સુધીના સમયગાળામા ગ્રાહકો પાસેથી વેરો લીધો ન હોય અથવા વેરો ચૂકવ્યો ન હોય તેઓને મુક્તિ આપવામાં આવશે.

યાર્ન વાર્પિંગ અને સાઇઝિંગ ઉદ્યોગને રાહત

યાર્ન ઉદ્યોગ પર વેરાની માઠી અસરને ધ્યાનમાં લઇને યાર્ન વાર્પિંગ અને સાઇઝિંગ ઉદ્યોગને પહેલી એપ્રિલ, 2005થી 31મી માર્ચ 2016 સુધીના સમયગાળામાં કરમુક્તિ અપાશે. જે વેપારીઓએ ગ્રાહકો પાસેથી વેરો વસૂલ કર્યો નહીં હોય અથવા વેરો ચૂકવ્યો નહીં હોય તેઓને તે લાગુ પડશે.

શેરડીને ખરીદી વેરામાંથી મુક્તિ

હિસાબી વર્ષ 2015-16 અને 2016-17માં સાકરના કારખાનાઓને શેરડી ખરીદી વેરામાંથી મુક્તિ આપવામાં આવશે. જેથી તેઓ ખેડૂતોને `ફેર ઍન્ડ રેમ્યુનરેટિવ' ભાવ ચૂકવી શકશે. આ વેરામાંથી મુક્તિને કારણે સાકરના કારખાનાને 700 કરોડ રૂપિયા પ્રાપ્ત થશે.

પ્રોફેશનલ ટૅક્સ અંગેના પ્રસ્તાવો

પ્રોફેશનલ ટૅક્સ માટે રજિસ્ટ્રેશન કે એનરોલમેન્ટ વિલંબથી કરાવવામાં આવે તો તેના આગલાં આઠ વર્ષ માટે ટૅક્સ વસૂલ કરવામાં આવે છે તેથી ઘણી પેઢીઓ રજિસ્ટ્રેશન કરાવવામાં ઉત્સાહ દેખાડતી નથી. તેથી હવે તે સમયગાળો ઘટાડીને ચાર વર્ષ કરાશે.

કર્મચારીના વેતનમાંથી પ્રોફેશનલ ટૅક્સ કાપીને તે ચૂકવવાની જવાબદારી માલિક કે પેઢીની હોય છે. ઘણી પેઢીઓ એજન્ટની નિમણૂક કરે છે. હવે એજન્ટ વતીથી પ્રોફેશનલ ટૅક્સ ચૂકવવાની જવાબદારી તે પેઢીની રહેશે.

પ્રોફેશનલ ટૅક્સ સમયસર ચૂકવવામાં આવે નહીં તો સવા ટકાના દરે વ્યાજ લેવામાં આવે છે. જોકે હવે `વૅટ' અધિનિયમની જોગવાઈ મુજબ વ્યાજ વસૂલ કરવામાં આવશે.

`વૅટ' હેઠળ રજિસ્ટર થયેલા વેપારી કે પેઢીઓની જેમ હવે સર્વિસ ટૅક્સ હેઠળ નોંધાયેલા વેપારી કે પેઢીઓ પણ પ્રોફેશનલ ટૅક્સ ચૂકવવાને પાત્ર ગણાશે. પ્રોફેશનલ ટૅક્સનું રિટર્ન વિલંબથી ભરનારાઓને એક હજાર રૂપિયા લેટ ફી ભરવી પડે છે. હવે 30મી સપ્ટેમ્બર, 2017 સુધીમાં રિટર્ન ભરશે તેઓને લેટ ફી માફ કરાશે.

એન્ટ્રી ટૅક્સ ઍક્ટ

સરકારી તિજોરીને પૂરતા પ્રમાણમાં આવક મળે એ માટે કેટલીક વસ્તુઓ પર એન્ટ્રી ટૅક્સ લેવામાં આવે છે. એન્ટ્રી ટૅક્સ અંગે ખરીદદારને એસેસમેન્ટ માટે પૂરતો સમય મળી રહે એ માટે તેને `વૅટ'ની જોગવાઈ અનુસાર એસેસમેન્ટ માટે સમય અપાશે.

કોકમ પર વેટ નહીં

બૉમ્બે કરિયાણા, કલર એન્ડ કેમિકલ મર્ચન્ટસ ઍસોસિયેશનના માનદમંત્રી મનુભાઈ શાહે જણાવ્યું છે કે આપણા સતત પ્રયાસોને પગલે મહારાષ્ટ્ર સરકારે કોકમ ઉપરથી `વેટ' સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લીધો છે. નાણાપ્રધાન સુધીર મુનગંટ્ટીવારે આજે બજેટના ભાષણ દરમિયાન કરેલી આ જાહેરાતને અમે આવકારીએ છીએ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer