રશિયામાં હીરા કાટિંગ એકમો સ્થાપવા આમંત્રણ
રશિયામાં હીરા કાટિંગ એકમો સ્થાપવા આમંત્રણ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની મુંબઈ મુલાકાત : મધ્યપ્રદેશની બુંદેર ડાયમંડ ખાણ સંભાળી લેવા રશિયાને ઓફર

મધુ બારભાયા તરફથી

મુંબઈ  તા.18 :  રશિયાના નાયબ વડા પ્રધાન યુરી ટ્રુટનેવની આગેવાની હેઠળ રશિયાના એક ઉચ્ચ કક્ષાના પ્રતિનિધીમંડળે તાજેતરમાં મુંબઈની મુલાકાત લઈ અને ભારત-રશિયા વચ્ચે હીરા-ઝવેરાતના ક્ષેત્રે વધુ ઘનિષ્ઠ સહકારની દિશામાં આગળ વધવાનો નિર્ણય લીધો હતો.આ પ્રતિનિધીમંડળે જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલ ઓફ ઇન્ડીયા(જીજેઈપીસી) અને બોમ્બે ડાયમંડ બુર્સ(બીડીબી)ના પ્રતિનિધિઓ સાથે મંત્રણા કરી હતી.આ પ્રતિનિધીમંડળમાં રશિયાના ફાર ઇસ્ટ રીજયનના ગવર્નરો અને પ્રધાનો સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ હતા.

 જીજેઈપીસીના અધ્યક્ષ પ્રવિણશંકર પંડયા અને બીડીબીના પ્રમુખ અનુપ મહેતા અને અન્યોએ  સહકારના સંભવિત ક્ષેત્રોની રશિયન નાયબ વડા પ્રધાન સમક્ષ કેટલીક નક્કર દરખાસ્તો મૂકી હતી.તેમણે જણાવ્યું હતું કે રશિયામાં પ્રવેશતા કટ અને પોલિશ્ડ હીરા ઉપરની જંગી આયાત જકાત દુર કરવાથી રશિયામાં ઉત્પન્ન થતાં ઝવેરાતની નિકાસને લાભ થશે.પંડયાએ એ વાત તરફ ધ્યાન દોર્યુ કે રશિયામાં બનતા ઝવેરાતની ગુણવતા યુરોપના અન્ય દેશો કરતાં વધુ ઊંચી હોય છે પણ તેમાં જડવામાં આવતા હીરાની આયાત જકાત ઊંચી હોવાના કારણે આ ઝવેરાત ઘણુ મોંઘુ પડે છે. તેથી જો આયાત જકાત ઘટાડાય તો આ ઝવેરાત સસ્તુ પડે.

પંડયાએ એવું પણ સુચન કર્યું હતું કે બન્ને દેશો એવી વ્યવસ્થા વિચારી શકે કે જેમાં રશિયાની ખાણમાંથી નીકળેલા હીરા  ભારતમાં કટ અને પોલિશ થઈને ફરી રશિયામાં ત્યાંના ઝવેરાત બનાવતા ઉદ્યોગની જરૂરત માટે ફરી ત્યાં રીએક્સપોર્ટ કરવા.

બીજી દરખાસ્ત ભારતમાં હીરાના સંશોધન અને ઉત્ખનન માટે ભારતના ઉદ્યોગો અને રશિયન માઇનર અલરોસા વચ્ચે 50-50% ભાગીદારીમાં સંયુક્ત સાહસ સ્થાપવું. મહેતાએ ખાસ કરીને એ દર્શાવ્યું હતું કે આવું સંયુક્ત સાહસ તાત્કાલિક ધોરણે મધ્યપ્રદેશના બુંદેર પ્રોજેક્ટને હાથ ધરી શકે. આ સ્થળે 3 કરોડ કેરેટથી વધુ ડાયમંડ રીઝ્રર્વ છે.આ અગાઉ ઓસ્ટ્રેલિયાની માઇનીગ કંપની રીઓ ટિન્ટો એ આ ખાણ વિકસાવવા કામ સંભાળ્યું હતું પણ પછીથી તે આ પ્રોજેક્ટમાંથી નીકળી ગઈ હતી.

રશિયાના નાયબ વડા પ્રધાન ટ્રુટનેવે સુચવ્યું હતું કે ભારતનો હીરા ઉદ્યોગ રશિયાના ફાર ઈસ્ટ રીજયનમાં કટીંગ અને પોલિશીંગ એકમો સ્થાપે અને રશિયન કામદારોને કટીંગ અને પોલિશીંગની કામગીરી શિખવે. તેમની આ દરખાસ્તને ભારતીય પ્રતિનિધીઓએ આવકારી હતી. ટ્રુટનેવે આવતા મહિને વધુ ચર્ચા માટે ભારતીય પ્રતિનિધીમંડળની રશિયા આવવા આમંત્રણ આપ્યું છે.