બજેટમાં મુંબઈ માટે ખાસ જોગવાઈ
અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્રના બજેટમાં મુંબઈગરા માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. મુંબઈગરાની હાડમારી ઘટાડવા માટે કોલાબા-બાંદરા-સિપ્ઝ મેટ્રોનું કામ શરૂ કરાયું છે. દહિસર-ડી. એન. નગર (અંધેરી પશ્ચિમ) અને દહિસર - અંધેરી વચ્ચે મેટ્રોનાં કામ માટે વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. બજેટમાં મહારાષ્ટ્રના હિસ્સાના 710 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત શિવડી-ન્હાવાશેવા મુંબઈ ટ્રાન્સહાર્બર લિન્ક, નવી મુંબઈ વિમાનમથક, નવી મુંબઈ મેટ્રો પ્રોજેક્ટ અને કોસ્ટલ રોડના નિર્માણનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. મુંબઈ વિદ્યાપીઠના અર્થશાત્ર ખાતા માટે 25 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. નેશનલ સ્કૂલ અૉફ ડ્રામા જેવી નાટયક્ષેત્ર માટેની શાળા ગોરેગામસ્થિત ચિત્રનગરીમાં સ્થાપવાની દરખાસ્ત ચકાસવામાં આવી રહી છે. મુંબઈ પછી હવે કલ્યાણ-ડોંબિવલીમાં સીસીટીવીનું નેટવર્ક ઊભું કરાશે. પોલીસ ખાતામાં હવે `ડાયલ 112' સેવા અમલમાં મુકાશે. તેમાં પોલીસ, એમ્બ્યુલન્સ અને અગ્નિશમન સેવાને આવરી લેવાશે. નવનિર્મિત મહારાષ્ટ્ર રાજ્ય રાઈટ ટુ ટાઈમલી ડિલિવરી અૉફ સર્વિસ કમિશન અને તેની સંલગ્ન કચેરીઓ માટે 12 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.