જીએસટીના અમલ માટે મહારાષ્ટ્રની તૈયારી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : આવતી પહેલી જુલાઈથી દેશભરમાં લાગુ પાડવામાં આવનારા ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ માટેની તૈયારીઓ મહારાષ્ટ્ર સરકારે શરૂ કરી છે.

સુધીર મુનગંટ્ટીવારે આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2017-18નું અંદાજપત્ર રજૂ કરતાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર વેલ્યુ એડેડ ટૅક્સ એકટ હેઠળની પેન્ડિંગ અપીલનો ઝડપી નિકાલ કરવો જરૂરી છે. તેના કારણે મહારાષ્ટ્રની તિજોરીને આવક મળશે તેથી મહારાષ્ટ્ર સેલ્સ ટૅક્સ ટ્રિબ્યુનલની વધુ ત્રણ બ્રાંચ સ્થાપવામાં આવશે. જીએસટીનો અમલ શરૂ કરવાની સાથોસાથ નોન-ટૅક્સ રેવન્યુની આવક પણ વધારવાની જરૂર છે. વિવિધ સેવા માટેની ફી, કોર્ટ ફી અને વિવિધ કાયદા હેઠળ દંડ (ફાઈન)ની રકમ લાંબા સમય પહેલાં નક્કી કરાઈ હતી. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને તેની સમીક્ષા કરવામાં આવી રહી છે. તેના દ્વારા વધારાની નોન-ટૅક્સ રેવન્યુ ઊભી કરી શકાશે. આવક વધારવાની સાથે મહેસૂલી શિસ્તને જાળવી રાખવા નિષ્ઠાથી પ્રયત્ન કરાશે.

જીએસટી લાગુ પડે પછી પ્રત્યેક કરદાતાએ કરવેરાના કેન્દ્ર કે રાજ્યના કોઈ પણ એક વહીવટી તંત્ર સાથે જ સંવાદ સાધવાનો રહેશે. 90 ટકા કરદાતાઓનું ટર્નઓવર રૂા. દોઢ કરોડ કરતાં ઓછું છે. તેઓએ રાજ્ય સરકાર સાથે કામ કરવાનું રહેશે. શેષ દસ ટકા કરદાતાઓનો સંબંધ કેન્દ્ર સરકાર સાથે આવશે. જીએસટીના અમલ પછી રાજ્યોને આપવાના વળતર અંગેના મુસદ્દાને મંજૂરી આપવામાં આવી છે. વળતરના રકમની ગણતરી નાણાકીય વર્ષ 2015-16ની આવકને આધારે અને તેમાં વાર્ષિક 14 ટકાની વૃદ્ધિ ગણીને કરાશે.

વળતરમાં મુંબઈમાં અૉક્ટ્રૉય અને અન્ય શહેરોના લોકલ બોડી ટૅક્સનો પણ સમાવેશ કરાશે. જીએસટીનો બોજ વર્તમાન વેરાની લગભગ સમાન રહેશે. જીએસટના દર શૂન્ય, પાંચ, બાર, 18 અને 28 ટકા રહેશે. સમુદ્રકાંઠાથી બાર નોટિકલ માઈલના વિસ્તારમાં થયેલા વ્યવહારોને આંતરરાજ્ય વ્યવહાર ગણાશે એમ મુનગંટ્ટીવારે ઉમેર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer