મધ્યમ વર્ગ પર ઝીંકાતા બેફામ કરવેરા ક્યારે બંધ થશે? સર્વિસ ચાર્જ, સ્વચ્છ ભારત સેસ, કૃષિ ભારત સેસ સરકારની તિજોરીમાં જમા થાય છે?
અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : મધ્યમ વર્ગ પોતાના પર ઝીંકાતા બેફામ સરકારી કરવેરા મૂંગે મોઢે નિભાવી લે છે. આવો જ એક ચોંકાવનારો અનુભવ ભાવના ગોખલેને થયો છે. ભાવના ગોખલેએ ડાટા કાર્ડ રિચાર્જ કરાવ્યો ત્યારે કંપનીએ રૂા. 152.70 સર્વિસ ચાર્જ,  રૂા. 5.43 સ્વચ્છ ભારત અને રૂા. 5.43 કૃષિ ભારત ટૅક્સ મળી કુલ રૂા. 165 તેમના સિંગલ ડાટા કાર્ડમાંથી કાપી લીધી.

અહીં એ વાત પણ સમજવા જેવી છે કે લગભગ બે કરોડ નાગરિકો ડાટા કાર્ડનો ઉપયોગ કરતા હોય તો કંપનીના ખાતામાં કેટલાં નાણાં જમા થતાં હશે. શું આ નાણાં સરકારને પહોંચતા હશે?

મધ્યમ વર્ગનો માનવી સરકારને બધા જ વેરા ચૂકવે છે. જ્યારે પણ કોઈ કુદરતી આફત આવે ત્યારે ધર્મ, નીતિ કે પ્રદેશની પરવા કર્યા વિના તમામ લોકો સરકારને મદદ કરવા તૈયાર થઈ જાય છે પણ સરકાર લોકોને ટૅક્સ દ્વારા લૂંટવાનું ચાલુ જ રાખે છે.

ખેડૂતો આત્મહત્યા કરે છે અને એના સમાચારો અખબારોની હેડલાઇન બને છે, શું કૃષિ ભારત ટૅક્સ ખેડૂતોના લાભાર્થે વપરાતો હશે? મધ્યમ વર્ગ પાસેથી જે રૂપિયા ટૅક્સ રૂપે કંપનીઓ  વસૂલ કરે છે તેના પર સરકારનું ધ્યાન છે ખરું એવો સવાલ થઈ રહ્યો છે.