`ઈન્ડિયા ટૂડે''ના પરિસંવાદમાં મુકેશ અંબાણીનું સંબોધન દેશના શ્રેષ્ઠ બુદ્ધિધનની વાપસીનો આ સમય : રિવર્સ બ્રેઈન ડ્રેઈન દેશને લાભકારી બનશે

`ઈન્ડિયા ટૂડે''ના પરિસંવાદમાં મુકેશ અંબાણીનું સંબોધન દેશના શ્રેષ્ઠ બુદ્ધિધનની વાપસીનો આ સમય : રિવર્સ બ્રેઈન ડ્રેઈન દેશને લાભકારી બનશે
મુંબઈ, તા. 18: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની નીતિઓને પોતે આપેલા ટેકા વિશે છણાવટ કરતા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આજે જણાવ્યુ હતુ કે રીવર્સ બ્રેઈન ડ્રેઈન (વિદેશોમાં ઘસડાઈ ગયેલા દેશના બુદ્ધિધનની દેશના લાભાર્થે વાપસી)નો આ સમય છે. દેશના સૌથી કુશાગ્ર અને શ્રેષ્ઠ ભેજાં ભારત અને ભારતીયોના લાભાર્થે કાર્યરત થાય તે માટે સમય પાકી ગયો છે. આવું રીવર્સ બ્રેઈન ડ્રેઈન નિ:શંકપણે ચરિતાર્થ થાય તે આપણે જોશું એમ અંબાણીએ ઈન્ડિયા ટુડે કન્કલેવ-પરિસંવાદ-ને સંબોધતાં જણાવ્યુ હતુ.

હાલ આપણે, માનવ ઈતિહાસની ચતુર્થ ઔદ્યોગિક ક્રાંતિના આરંભકાળમાં છીએ અને આ ટેકનોલોજી આધારિત પ્રથમ ક્રાંતિ છે, જે આપણને માનવી તરીકે અસર કરી રહી છે. આપણા કેટલાક વિચક્ષણ લોકો  વિદેશોમાં કામ કરી રહ્યા છે અને તેઓને જો કોઈ પણ રીતે પુન: સ્વદેશમાં લાવવામાં આવે તો તેઓ દેશ માટે, 1.3 અબજ દેશવાસીઓ માટે કામ કરશે, દેશવાસીઓના જીવતર બદલવાને કામ કરશે અને તે સૌના કાર્યોને એકસમૂહમાં મૂકયે નવું વિકાસકીય મોડેલ રચાશે. આનાથી વધુ બહેતર છુપા, પ્રચ્છન્ન આશીર્વાદ બીજા ન કોઈ ન હોઈ શકે એમ રિલાયન્સ સામ્રાજયના મોભીએ  જણાવ્યું હતુ.

એચ-1બી વિઝા નીતિ અંગેના ટ્રમ્પના કડક મંતવ્યોને પગલે ભારતીય આઈટી પેઢીઓ દબાણ તળે આવી છે. દુનિયામાં બધું યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે બનતું હોય છે એમ જણાવી અંબાણીએ કહ્યુ હતું કે રિલાયન્સ તેઓ દર મહિને વિશ્વના બીજા છેડેથી બે ત્રણ હોનહાર કર્મીને પરત લાવી રહ્યા છીએ. છેવટે તો હર એક દિલ હૈ હિન્દુસ્તાની. લોકો ભારત માટે કશુંક ને કશુંક કરવા માગતા હોય છે અને અમે તેઓને તક આપીએ છીએ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer