પૂજારાની મક્કમ સદીથી ભારતની લડત રાંચી ટેસ્ટમાં મધ્ય હરોળના બૅટધરો નિષ્ફળ રહેતાં ભારત 6/360 : પૂજારા 130 રને દાવમાં

પૂજારાની મક્કમ સદીથી ભારતની લડત રાંચી ટેસ્ટમાં મધ્ય હરોળના બૅટધરો નિષ્ફળ રહેતાં ભારત 6/360 : પૂજારા 130 રને દાવમાં
રાંચી, તા. 18 : ચેતેશ્વર પૂજારાની મક્કમ સદી (328 દડામાં 130 રને દાવમાં)ના સહારે ટીમ ઇન્ડિયાએ અહીં ત્રીજી ટેસ્ટમાં લડત જારી રાખી હતી. અલબત્ત મધ્ય હરોળના વિરાટ કોહલી અને અજિંકય રહાણે સહિતના અન્ય બેટધરો નિષ્ફળ રહ્યા હતા, પણ ભારતે ત્રીજા દિવસના અંતે 6 વિકેટે 360 રન બનાવી દેતાં મેચ રસપ્રદ તબક્કા ભણી આગળ વધી રહી છે. વિજય 82 રને આઉટ થયો હતો, જ્યારે કમિન્સે 59 રનમાં 4 વિકેટ ખેરવી હતી. પૂજારા સાથે રિદ્ધિમાન સહા 18 રને દાવમાં છે. કાલે આ જોડી અને ત્યારબાદ રવીન્દ્ર જાડેજા પર મદાર રહેશે.

આજે સવારનું સત્ર ભારતનું રહ્યું હતું અને છેલ્લી ક્ષણોમાં 193ના સ્કોરે વિજય સ્ટમ્પ આઉટ થયો હતો. તેણે 193 દડામાં 10 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 82 રન કર્યા હતા. ત્યારબાદ એક છેડો પૂજારાએ સંભાળ્યો હતો. પણ સામે છેડે બેટધરો દ્રઢતા બતાવી શક્યા નહોતા. ખભાની ઇજા પામેલો કોહલી ચોથા ક્રમે જ આવ્યો હતો, પણ માત્ર છ રને કમિન્સનો શિકાર બન્યો હતો.

 ટીમમાં જેના સ્થાન સામે હવે સવાલો ઊઠવા જોઇએ એ રહાણે માત્ર 14 રને મૂર્ખીભર્યા ફટકાના ચક્કરમાં આઉટ થયો હતો. અશ્વિન (1) પણ નિષ્ફળ રહ્યો હતો, પણ પૂજારાએ ધૈર્ય સાથે બેટિંગ કરી હતી અને 214 દડામાં સદી પૂરી કરી હતી. તેણે નાયર (3) સાથે 44 રન જોડયા બાદ સહા સાથે 32 રનની વણતૂટી ભાગીદારી નોંધાવી હતી. ભારતે આજે 240 રન જ કર્યા હતા. અલબત્ત, પરિસ્થિતિ મુજબ એ જ જરૂરી હતું. પૂજારાએ 17 ચોગ્ગા ફટકાર્યા હતા, કમિન્સે વાપસીનો મોકો ઝડપી સુંદર બોલિંગ કરી હતી. ભારત હજી ઓસીથી 91 રન પાછળ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer