નોટબંધીને જનતાનો આવકાર ગરીબોનાં કલ્યાણ માટે સરકારનો નિર્ધાર : વડા પ્રધાન
નોટબંધીને જનતાનો આવકાર ગરીબોનાં કલ્યાણ માટે સરકારનો નિર્ધાર : વડા પ્રધાન અમારા પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 7 : ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બે દિવસીય બેઠકના અત્રે સમાપન પ્રવચનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, `હું ગરીબીમાં જનમ્યો છું અને જીવ્યો છું. ગરીબ અને ગરીબી અમારા માટે માત્ર ચૂંટણી જીતવાનુ માધ્યમ નથી. અમે ગરીબોને માત્ર વોટ બૅન્ક તરીકે નથી જોતા, ગરીબી અમારા માટે સેવાનો અવસર છે. ગરીબની સેવા પ્રભુની સેવા બરાબર છે અને આ સંકલ્પ પર અમારી સરકાર કામ કરી રહી છે.' ગરીબોના કલ્યાણ માટે સરકારે નિર્ધાર કર્યો છે.

વડા પ્રધાને જણાવ્યું હતું કે નોટબંધીના નિર્ણયને દેશની સામાન્ય જનતાએ આવકાર્યો છે અને તેનાથી દેશમાં કાળાં નાણાં અને ભ્રષ્ટાચારનાં દૂષણને ડામવામાં મદદ મળશે.

વડા પ્રધાને જણાવ્યું હતું કે, તેમણે સ્વયં નોટબંધીના નિર્ણય બાદ થોડા દિવસ મુશ્કેલી થવાનું જણાવ્યું હતું. જનતાએ આ મુસીબતનો કુદરતી રીતે સ્વીકાર કરતાં આ મહાન પરિવર્તન પેદા કરનારા ઐતિહાસિક કદમનું સ્વાગત કર્યું હતું એમ તેમણે વધુમાં જણાવ્યું.

તેમણે કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે તેઓ ગરીબોના કલ્યાણ માટેના સરકારના કાર્યક્રમોની લોકોને જાણ કરે. અમારી પ્રાથમિકતા ગરીબોની જીવનશૈલીને સારી બનાવવાની છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

વડા પ્રધાને ઉત્તર પ્રદેશ અને અન્ય ચાર રાજ્યોની વિધાનસભાઓની આગામી ચૂંટણીઓ વિશે બોલતાં જણાવ્યું હતું કે, આ રાજ્યોમાં ભાજપની સ્થિતિ સારી છે અને કાર્યકર્તાઓએ ખૂબ જ જીવન મહેનત કરવાની જરૂર છે.

 વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબંધીઓ માટે ચૂંટણીની ટિકિટો નહીં માગવા પક્ષના નેતાઓને અનુરોધ કર્યો હતો.

વડા પ્રધાને ચૂંટણી સુધારણાની પણ હિમાયત કરતાં રાજકીય પક્ષોને મળતા ફંડ અંગે પારદર્શિતા લાવવામાં ભાજપ અગ્રગણ્ય ભૂમિકા ભજવશે એમ જણાવ્યું હતું.