ઉત્તર ભારતમાં હિમવર્ષા : દિલ્હીમાં વરસાદ

શ્રીનગર/સિમલા/નૈનિતાલ, તા. 7 : ઉત્તર ભારતમાં ફરી એકવાર ઠંડીમાં તીવ્ર વધારો થયો છે. જમ્મુ-કાશ્મીરમાં આવેલા વધુ એક બરફવર્ષાના રાઉન્ડમાં રાજ્યનું જનજીવન ખોડંગાયું હતુ, જેને પગલે હિમાચલ પ્રદેશ પણ બરફવર્ષાની ચપેટમાં છે, જ્યારે ઉત્તરાખંડના પ્રવાસી શહેર નૈનિતાલમાં પણ બે વર્ષના સમયગાળા બાદ સફેદ ચાદર છવાઈ હતી. આ સિવાય દિલ્હી અને એનસીઆરના વિવિધ ભાગોમાં સવારમાં વરસાદ પડતાં ઠંડીમાં વધારો થયો છે, સાથે-સાથે ધુમ્મસની સ્થિતિ પણ જોવા મળી રહી છે. હિમાચલ પ્રદેશના સિમલા અને કિન્નુરમાં મોસમની પહેલી ભારે બરફવર્ષાના કારણે માર્ગ, ટેલિકોમ્યુનિકેશન જોડાણ અને વીજપુરવઠો તથા પાણી વિતરણ ખોરવાઈ ગયું હતું, જ્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાયા હતા.  સિમલાથી 13 કિ.મી.ના અંતરે આવેલા શોગીમાં 40 સે.મી. બરફ પડયો હતો, જ્યારે જાણીતાં પ્રવાસન સ્થળો કુરફી, ફાગુ અને નારકંદામાં 45-55 સે.મી. બરફવર્ષા થઈ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer