ઓમ પુરીના મૃત્યુનું કારણ જાણવા માટે તપાસ શરૂ

ઓમ પુરીના મૃત્યુનું કારણ જાણવા માટે તપાસ શરૂ
પોસ્ટમૉર્ટમના રિપોર્ટમાં માથામાં ગંભીર ઇજાઓ થયાનું બહાર આવ્યું : પોલીસે લીધો એડીઆર

મુંબઈ, તા. 7 : શુક્રવારે વહેલી સવારે મૃત અવસ્થામાં મળી આવેલા એકટર ઓમ પુરીના મૃત્યુનું કારણ જાણવા માટે પોલીસ તપાસ કરશે. મુંબઈ પોલીસે ઓમ પુરીના નિધન અંગે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (એડીઆર) નોંધ્યો છે. આ કેસમાં હવે તપાસ હાથ ધરવામાં આવશે.

ઓમ પુરી તેમના લોખંડવાલા ઘરે જમીન પર પડેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમના માથામાં ઇજા થઈ હોવાના નિશાન જોવા મળ્યા હતા. આથી પોલીસે તેમની ડેડ-બોડી પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપી હતી. આજે આ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે ઓમ પુરીના માથામાં ગંભીર ઇજાઓ થઈ છે. પોલીસને શંકા છે કે કોઈ વ્યક્તિ પડી જાય તો તેમના માથામાં આવી ઇજા થઈ શકે નહીં.

ફિલ્મ નિર્માતા ખાલિદ કિડવાઈ ગુરુવારે સાંજે પાંચથી રાત્રે 11 વાગ્યા સુધી ઓમ પુરી સાથે હતા. તેમણે આપેલી જાણકારી મુજબ ગુરુવારે રાત્રે ઓમ પુરીને તેનાથી છૂટી રહેલી પત્ની નંદિતા સાથે ઝઘડો થયો હતો.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નંદિતા પુરીના કહેવા પ્રમાણે ઓમ પુરીના મૃત્યુ માટે ખાલિદ અને ડ્રાઈવર મિશ્રા જવાબદાર છે. નંદિતા પુરીના આરોપના પગલે પેલીસે ખાલિદની બે કલાક સુધી પૂછપરછ કરી હોવાનું જાણવા મળે છે. પોલીસ ડ્રાઈવર શર્મા, ઓમ પુરીના પુત્ર ઇશાન પુરી અને એકટર મનોજ પાહવાની પણ પૂછપરછ કરશે.

ઓશિવારા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આ કેસમાં ઊંડી તપાસ કરવામાં આવશે. ઓમ પુરીના બિલ્ડિંગમાં જતા-આવતા લોકોના નિવેદન લેવામાં આવશે. મૃત્યુ પૂર્વે 24 કલાકમાં તેમને કોણ મળ્યું તેની જાણકારી લેવામાં આવશે. તેમના ફોન કોલ રેકર્ડ કાઢવામાં આવશે.

ઓમ પુરીએ અંતિમશ્વાસ લીધા ત્યારે તેઓ દારૂના નશામાં હોવાનું પોલીસે કહ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer