સાંગલીમાં કોપર્ડીની પુનરાવૃતિ 14 વર્ષની કિશોરી પર બળાત્કાર કરીને હત્યા
મુંબઈ, તા. 7 : કોપર્ડી જેવી ભયાનક ઘટના સાંગલી જિલ્લામાં પલુસ તાલુકામાં ભિલવડીમાં બની છે. ભિલવડીમાં 14 વર્ષની કિશોરી ઉપર બળાત્કાર કરીને તેની હત્યા કરવાની ઘટના ગઈકાલે પ્રકાશમાં આવી છે. આ પ્રકરણ અંગે પોલીસે ચાર શકમંદોની અટક કરી છે. આ કરુણાંતિકાનો નિષેધ ભિલવડી સહિત પાંચ ગામના રહેવાસીઓએ આજે બંધ પાળ્યો હતો.

ભિલવડીમાં શાળામાં ભણતી 14 વર્ષની કિશોરીનો મૃતદેહ શુક્રવારે સવારે મળી આવ્યો હતો. ત્યાર પછી પોલીસ સક્રિય બની હતી અને તેણે પંચનામું કરીને તેનો મૃતદેહ પોર્સ્ટમૉર્ટમ માટે મીરજની મેડિકલ કૉલેજમાં મોકલ્યો હતો. તેમાં તે કિશોરી ઉપર બળાત્કાર કર્યા પછી તેની હત્યા કરવામાં આવી હોવાનું માલૂમ પડયું હતું.

આ બનાવ પછી ભાજપના સાંસદ સંજયકાકા પાટીલ, મહારાષ્ટ્રના કૃષિપ્રધાન સદાભાઉ ખોત, કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન ડૉ. પતંગરાવ કદમ તેમ જ યુવતી રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા સ્મિતા પાટીલે ભિલવડીની મુલાકાત લીધી હતી.